સ્ટોલ માટે ગઠિયાએ ૮ લાખ લઇ ઠગાઈ આચરી

અમદાવાદ, ચાંદખેડામાં ફાસ્ટ ફૂડનો ધંધો કરનાર સાથે ગઠિયાએ રૂ. ૮ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. ગત ઓગસ્ટમાં ગઠિયો વેપારીની દુકાને ગયો હતો. તેણે આંબલી બોપલ ખાતેના બસેરા પાર્ટી પ્લોટ અને નાના ચિલોડા ખાતે ચાચર ચોકમાં નવરાત્રિના ગરબાનું આયોજન કર્યુ હોવાની વાત કરી હતી.
બાદમાં ફૂડ સ્ટોલ માટેની ઓફર કરીને ૧૩.૫૦ લાખ ડિપોઝિટ માગી હતી. જોકે આરોપીએ નાના ચિલોડા ખાતેના ચાચર ચોકમાં વેપારીને સ્ટોલ ન આપીને આઠ લાખ ખંખેરી બહાના બતાવ્યા હતા. જેથી આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાણીપમાં રહેતા સતીષભાઇ સિરોહી ચાંદખેડામાં ફાસ્ટ ફૂડની દુકાન ધરાવે છે. તેમના એક મિત્રના ત્યાં વિશાલ શુક્લા નોકરી કરતો હતો હોવાથી સતીષભાઇ સાથે પરિચય થયો હતો. બાદમાં વિશાલે નોકરી છોડીને ઇવેન્ટનું કામ શરૂ કર્યું હતું. ગત ઓગસ્ટમાં વિશાલ ભોગ બનનાર સતીષભાઇની દુકાને ગયો હતો.
જ્યાં તેણે નવરાત્રિમાં ઇવેન્ટના ઓર્ડર લીધા હોવાનું કહીને પાર્ટનરશીપની ઓફર મૂકી હતી. આંબલી બોપલ ખાતે બસેરા પાર્ટી પ્લોટ અને નાના ચિલોડા ખાતે ચાચર ચોકમાં ખાણીપીણી અને પાણીના સ્ટોલ રાખ્યા હોવાની સતીષભાઇને જાણ કરી હતી. સતીષભાઇએ તેમના મિત્ર સાથે મળીને સ્ટોલ રાખવાનું નક્કી કર્યુ હતું. ત્યારે વિશાલે બંને જગ્યાએ સ્ટોલ રાખવા ડિપોઝિટ પેટે ૧૩.૫૦ લાખ માગ્યા હતા.
જોકે બાદમાં આરોપીએ માત્ર બસેરા પાર્ટી પ્લોટમાં જ સ્ટોલ ભાડે આપ્યો પરંતુ નાના ચિલોડા ખાતે ચાચરચોકમાં સ્ટોલ ખાલી ન હોવાનું કહીને ભાડે આપ્યો નહોતો.
જેથી સતીષભાઇએ ડિપોઝિટના નાણાં પરત માગતા આરોપીએ બાંયધરી આપીને બહાના બતાવ્યા હતા. ફોન પર કાયમ બહારગામ હોવાનું કહીને આરોપીએ નાણાં ન આપતા સતીષભાઇએ તપાસ કરી તો આરોપી વિશાલ શુક્લા આયોજક ન હોવાનું જણાયું હતું.
આમ, ખોટી લાલચ આપીને આઠ લાખની છેતરપિંડી કરનાર આરોપી વિશાલ શુક્લા (રહે. નવા શાહીબાગ) સામે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS