ઢાઢર નદીના બ્રીજનું નિરીક્ષણ કરવા અધિકારીઓ જાય છે ત્યારે રસ્તામાં આવતો નાહિયેર ખાડીનો બ્રીજ

ભરૂચના આમોદ તાલુકાના નાહીયેર ખાડી ઉપરનો બ્રીજ જર્જરીત અવસ્થામાં
ભરૂચ, આમોદ તાલુકાના નાહીયેર ખાડી ઉપરનો બ્રીજ જર્જરીત અવસ્થામાં જોવા મળતા વાહનચાલકોના ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ ઠેર ઠેર ગુજરાતના બ્રીજોનું તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે આમોદ તાલુકાના નાહિયેર ખાડીનો બ્રીજ પણ તંત્ર પાસે સમારકામ માંગી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. જેથી નેશનલ હાઈવે ઓથોરિટી વહેલી તકે બ્રીજનું સમારકામ કરાવે તે લોકહિતમાં છે.
નાહીયેર ગામે ખાડી ઉપરનો બ્રીજ અત્યંત જર્જરીત અવસ્થામાં હોય કોઈ મોટી દૂર્ઘટના સર્જાઈ તે પહેલા બ્રીજનું સમારકામ થાય તે ઇચ્છનીય છે.હાલમાં તો વાહનચાલકો બ્રીજ ઉપરથી જીવન જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અવારનવાર ઢાઢર નદીના બ્રીજનું નિરીક્ષણ કરવા જાય છે ત્યારે રસ્તામાં આવતાં નાહિયેર ખાડીનો બ્રીજનું પણ નિરીક્ષણ કરી સમારકામ કરાવે તેવું વાહનચાલકો ઈચ્છી રહ્યા છે. સરકારમાં બેઠેલા લોકપ્રતિનિધિઓ દ્વારા તંત્ર સામે લાલ આંખ કરવામાં નહીં આવે તો સરકારે જનતાને જવાબ આપવો ભારે પડી શકે છે.