નંબર વગરની બાઈક ઉપર જઈ બંધ મકાનોને નિશાન બનાવતાં 4 ઝડપાયા

ગોધરા LCBએ રૂ.૨.૨૫ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપ્યા-૪ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા એલ.સી.બી. પોલીસે હાલોલના જ્યોતિ સર્કલ પાસે નાકાબંધી દરમ્યાન ત્રણ શખ્સોને રૂ. ૨,૨૫,૦૨૪ના મુદામાલ સાથે ઝડપી પાડી ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
એલ.સી.બી. ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈની સુચનાથી કોન્સ્ટેબલ કેતનકુમાર દેવરાજભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોધરા એલ.સી.બી. ટીમે નાકાબંધી ગોઠવી હતી. જેમાં હેમંત ઉર્ફે બટકો ચીમન પવાર, વિશાલ અરવિંદ પરમાર અને વિક્રમ અશ્વિન રાણા પાવાગઢ તરફથી આવતાં ઝડપાઈ ગયા હતા.
તેમની પાસે થી નંબર વગરની મોટરસાયકલ, સોના-ચાંદીના દાગીના (રૂ. ૧,૧૩,૪૨૪), રોકડ રૂ. ૬૧,૦૦૦ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ રૂ. ૨,૨૫,૦૨૪ નો મુદ્દામાલ મળી આવ્યો છે.
પોલીસ પૂછપરછમાં ખુલ્યું હતું કે તેઓએ મળીને જાંબુઘોડાના વાવ ગામે એક બંધ મકાનનું તાળું તોડી ચોરી કરી હતી. હેમંત પવારે ખાસ કરીને હાલોલના કૃષ્ણા પાર્ક, દર્પણ સોસાયટી અને લાડુબા ટાવર પાસે ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું છે. આરોપી હેમંત ઉર્ફે બટકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ હાલોલ, રાજગઢ, છોટાઉદેપુર અને રાવપુરા પોલીસ મથકમાં કુલ ૯ ગુના નોંધાયેલા છે.
આરોપીઓ દિવસ દરમિયાન સોસાયટીઓમાં ફરતી નંબર વગરની મોટરસાયકલ ઉપર પહોચી બંધ મકાનોને નિશાન બનાવતાં. મકાનના દરવાજાના નકૂચા “વાંદરી પાનું” અને “ડીસમિસ” જેવી વસ્તુઓથી તોડી ઘરમાં પ્રવેશી ચોરીને અંજામ આપતાં.
ગોધરા એલ.સી.બી.ની સફલ કામગીરીને કારણે ચાર જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આગળની વધુ તપાસ માટે આરોપીઓને સંબંધિત પોલીસ મથકોના હવાલે કરવામાં આવ્યા છે.