રૂ. 11૦૦ કરોડના ખર્ચે 3 ફેઝમાં અંદાજે ધરોઈ ડેમ રિજયન ડેવલપમેન્ટ સાકાર થશે

ધરોઈ ડેમ સાઈટની નિરીક્ષણ મુલાકાત સાથે રાજ્યના જળાશયોની સ્થિતિ અંગે ડેમ સેફ્ટીની બેઠક યોજી
Ø રાજ્યના જળાશયોનું પ્રિ-મોન્સૂન ઈન્સપેક્શન પૂર્ણ થઈ ગયું છે.
Ø 206 જળાશયોમાં કુલ 9322.68 મિલિયન ઘન મીટર પાણી સંગ્રહિત છે
Ø ધરોઈ ડેમમાં 70.80 ટકા પાણી આવ્યું.
Ø સરદાર સરોવર નર્મદા ડેમમાં 4889 મિલિયન ઘન મીટર પાણી છે.
Ø સરદાર સરોવર ડેમના અપસ્ટ્રીમ વિસ્તારમાંથી મળતી જળસ્તર અને વરસાદની માહિતી વોટ્સએપ, ઈ-મેઈલ અને ગૂગલ શીટ મારફતે શેર કરીને સંકલન રાખવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરીઝમ એન્ડ પીલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ હેઠળના કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું હતુ.
ધરોઇ રિજિયનનો આ વિકાસ પ્રોજેકટ સમગ્રતયા અંદાજે રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગારના નવા અવસરો સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પડી શકશે.
ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ ‘આઈકોનિક પ્લેસ‘ તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહિ, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ રાજ્ય સરકાર
કાર્યરત છે.
રાજ્યના જળાશયોમાં આવેલા નવાં નીરને પગલે ધરોઈ ડેમમાં આ વર્ષે 70.80 ટકા જેટલું નવું પાણી આવ્યું છે તેનું નિરીક્ષણ કરવા ધરોઈ ડેમની તેમણે મુલાકાત લીધી હતી. ડેમ સાઈટની તેમની નિરીક્ષણ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ડેમ સેફ્ટી અંગેની ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.
રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમ સહિત 22 મોટા, 96 મધ્યમ અને 1006 નાના મળીને સમગ્રતયા 1124 જળાશયો આવેલા છે. આ જળાશયોમાંથી 1 MCMથી વધુ જળસંગ્રહ ક્ષમતા ધરાવતા 523 ડેમોનું પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ મે-2024માં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને બધા જ ડેમ સલામત અને સુરક્ષિત છે તેમ ડેમ સેફ્ટી અંગેની આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. 1 MCMથી ઓછી સંગ્રહ શક્તિ ધરાવતા 600 ડેમોનું પણ પ્રિ-મોન્સૂન ઈન્સપેક્શન પૂર્ણ થઈ ગયું છે અને તે બધા ડેમ પણ સેફ સ્ટેજ પર છે તેની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં 25થી વધુ જળાશયો 100 ટકા કે તેથી વધુ, 56 જળાશયો 70 થી 100 ટકા, 43 જળાશયો 50 થી 70% તેમજ 42 જળાશયો 25 થી 30 ટકા અને 40 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયેલા છે તેની સંપૂર્ણ વિગતોનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.
રાજ્યના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમની સેફ્ટી અંગેની સમીક્ષા દરમિયાન જણાવવામાં આવ્યું હતુ કે, સરદાર સરોવર ડેમના અપસ્ટ્રીમ વિસ્તારમાંથી મળતી જળસ્તર અને વરસાદની માહિતી નિયમિત રીતે વોટ્સએપ, ઈ-મેઈલ અને ગૂગલ શીટ મારફતે શેર કરીને સંબંધિત રાજ્યો વચ્ચે સંકલન રાખવામાં આવે છે. સરદાર સરોવર ડેમમાં હાલ 4889 મિલિયન ઘન મીટર પાણી છે.
મુખ્યમંત્રીશ્રીએ ધરોઈના આ સમગ્ર ટુરીઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીનું મુખ્ય સચિવશ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડો. શ્રી હસમુખ અઢિયા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, સલાહકાર શ્રી એસ.એસ.રાઠૌર, સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન અને એમ.ડી. શ્રી મુકેશ પુરી, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ, પ્રવાસન સચિવ શ્રી ડૉ.રાજેન્દ્ર કુમાર, જળ સંપત્તિ સચિવ શ્રી પી.સી.વ્યાસ, પ્રવાસન નિગમના એમ.ડી. શ્રી પ્રભવ જોશી સાથે નિરીક્ષણ કરીને આ સમગ્ર પ્રોજેક્ટ અને ધરોઈ જળાશય આસપાસના વિસ્તારમાં ગ્રીન કવર વધારવા માટેનું પ્રેરક સુચન કર્યુ હતુ.
આ મૂલાકાતમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પાટણ લોકસભા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રાજ્ય સભા સાંસદશ્રી મયંકભાઇ નાયક, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી, જળ સંપત્તિ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ તેમજ પ્રવાસન વિભાગ સહિતના સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.