સોનાના ભાવ વધતાં ઝવેરીઓ હવે 14 કેરેટ સોનાના દાગીનાનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે

નવી દિલ્હી, જૂનમાં સોનાનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં ૬૦% ઘટીને માત્ર ૩૫ ટન થયું. કોવિડ પછી વોલ્યુમમાં આ સૌથી મોટો ઘટાડો છે. આ પાછળનું કારણ એ છે કે ઊંચા અને વધઘટવાળા ભાવોને કારણે ગ્રાહકો સોનાથી દૂર રહ્યા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) એ આ માહિતી આપી છે.
જુલાઈમાં પણ સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. હજુ સુધી ભાવમાં કોઈ મોટો ઘટાડો થયો નથી. સોમવારે ૧૦ ગ્રામ સોનાના ભાવમાં ૬૦૦ રૂપિયાનો વધારો થયો હતો.
મંગળવારે સોનાનો ભાવ ૨૦૦ રૂપિયા ઘટીને ૯૯,૩૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. IBJA ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, માંગમાં તાત્કાલિક સુધારો જોવા મળી રહ્યો નથી. દેશભરમાં ઘણા સોનાના ઝવેરાત ઉત્પાદન એકમોએ તેમનું ઉત્પાદન લગભગ અડધું કરી દીધું છે. તેમણે કહ્યું કે તેની અસર નાના ખેલાડીઓ પર પડી રહી છે. સોનાના વ્યવસાય માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. ડિસ્કાઉન્ટ આપવા છતાં, વોલ્યુમ માંગ વધી રહી નથી.
સોનાના વેપાર વિશ્લેષકો કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. આનું કારણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર વધુ ટેરિફ લાદવાની ધમકી છે, જેના કારણે વેપાર તણાવ ફરી વધ્યો છે.
ટ્રમ્પે વાટાઘાટો માટે ૧ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હોવા છતાં, પરિસ્થિતિ ઝડપથી બગડવાના ડરે જોખમી સંપત્તિઓ પર દબાણ રાખ્યું છે. આ કારણે, રોકાણકારો સોના જેવા સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે. IBJA ના સુરેન્દ્ર મહેતા કહે છે કે તેમના સંગઠને ૯-કેરેટ સોના માટે પણ હોલર્માકિંગ સુવિધા શરૂ કરવા માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) સાથે અનેક વાટાઘાટો કરી છે.
તેમણે કહ્યું કે BIS એ અમને જણાવ્યું છે કે તેમણે ૯ કેરેટના ઝવેરાત માટે હોલર્માકિંગ માટે એક મોડેલ તૈયાર કર્યું છે. અમને આશા છે કે સરકાર તરફથી હોલમાકિર્ંગ માટે ટૂંક સમયમાં લીલી ઝંડી મળશે. ભાવમાં ભારે વધારા વચ્ચે પોતાનો વ્યવસાય વધારવા માટે, ઝવેરીઓ હવે ૧૪ કેરેટ સોનાના દાગીનાનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. હકીકતમાં, ૧૪ કેરેટના ઘરેણાં સામાન્ય રીતે ઘરેણાં બનાવવામાં વપરાતા ૨૨ કેરેટના સોના કરતાં સસ્તા છે.
આ કારણે, તે ઝવેરાત ખરીદનારાઓ માટે વધુ વ્યવહારુ વિકલ્પ બની ગયો છે. ઓલ ઈન્ડિયા જ્વેલરી એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન રાજેશ રોકડે કહે છે કે ભારતમાં ૧૪ કેરેટ સોનાની માંગ વધી રહી છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે આ વેપાર વધુ વધશે, કારણ કે હળવા વજનના ઝવેરાતની માંગ વધી રહી છે. તેઓ સુંદરતા ઉમેરે છે પણ તમારા ખિસ્સા પર ભારણ નથી નાખતા.