રોડ રિસાઇક્લિંગ: જૂના રોડના જ ડામર–કપચીનો ઉપયોગ કરી નવો રોડ બનાવવાનો સફળ પ્રયાસ

ગ્રીન ટેક્નોલોજી થકી મજબૂત અને ઇકો-ફ્રેડલી રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની દિશામાં રાજ્ય સરકારની નવતર પહેલ
ભરૂચના માર્ગોને વધુ મજબૂત અને પર્યાવરણ-મિત્ર બનાવવા માટે બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરાયા
જંબુસર તાલુકાથી ટંકારી થઈ દેવલા ગામને જોડતા રસ્તાનું પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગ્રીન ટેકનોલોજીથી નિર્માણ પ્રગતિમાં
ભરૂચમાં 14.70 કિલોમીટર લાંબા પાલેજ-ઇખર-સરભાણ રોડ પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરી બનાવાઈ રહ્યો છે –રોડ જલદી ભાંગે નહીં તે માટે બિટ્યુમિનસ કોન્ક્રીટના મિશ્રણમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચના માર્ગોને વધુ મજબૂત અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ્સમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જૂના મટિરિયલ્સમાંથી જ નવો રોડ બનાવીને રોડ રિસાઇક્લિંગ અને બિટ્યુમિનસ કોન્ક્રીટના મિશ્રણમાં પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ એમ બે નવતર પહેલ સામેલ છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રીન ટેકનોલોજીના આધારે રસ્તા નિર્માણ માટે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાથી ટંકારી થઈ દેવલા ગામને જોડતા રસ્તાને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ રસ્તો બલ્ક ડ્રગ પાર્ક અને મીઠાના અગરિયા વિસ્તાર માટે મુખ્ય જોડાણ માર્ગ હોવાથી તેનું મહત્ત્વ વિશેષ છે.
આ માર્ગ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાથી ટંકારી થઇ દેવલા ગામને જોડે છે. તેમજ રસ્તા પર આવતાં અન્ય ગામો જેવાં કે કલક, ડોલિયા, ટંકારી, કપુરિયા, દેવલા વગેરે ગામોને ઉપયોગમાં આવે છે. આ રસ્તો જીઆઈડીસી દ્વારા ઠાકોર તલાવડી ગામ નજીક જંબુસરથી વિકસાવવામાં આવેલા બલ્ક ડ્રગ પાર્કનો મુખ્ય જોડાણ માર્ગ પણ છે. તદુપરાંત તે દેવલા નજીકના મીઠા અગરિયાની ખેતી વિસ્તારને પણ જોડે છે, તેથી ઘણા મીઠાના વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે.
26 ડિસેમ્બર, 2024ના રોજ રૂ. 50 કરોડની વહીવટી મંજૂરી સાથે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. દેવલા ગામ પાસે મિલિંગ અને સિમેન્ટ સ્ટેબિલાઈઝેશનની કામગીરી પ્રગતિ હેઠળ છે.
ગ્રીન ટેકનોલોજી પદ્ધતિથી માર્ગ નિર્માણના મુખ્ય ફાયદાઓ એ છે કે, બાંધકામના સમયમાં 50% સુધીનો ઘટાડો થાય છે. હાલના મટિરિયલને રિસાઇકલ કરવામાં આવતું હોવાથી નવી સામગ્રીનો ઉપયોગ ઘટાડી શકાય છે, જે પર્યાવરણ માટે ફાયદાકારક છે. કેમિકલી સ્ટેબિલાઇઝ્ડ બેઝના કારણે રોડ પર ખાડા પડવાની શક્યતા ઘટી જાય છે, જેનાથી રસ્તાનું આયુષ્ય વધે છે અને ઓછો મેઈન્ટેનન્સ ખર્ચ આવે છે.
વળી, દરેક પ્રકારની જમીન માટે આ ટેકનોલોજીના ઉપયોગથી માર્ગ નિર્માણ શક્ય છે. મજબૂત બેઝ અને સબબેઝ લેયર નવા ડામરની સપાટીની જાડાઈમાં બચત કરાવે છે.
રોડ રિસાઇક્લિંગ
સામાન્ય રીતે, જ્યારે જૂનો રસ્તો ખરાબ થાય છે, ત્યારે તેને ખોદીને કાઢી નાખવામાં આવે છે અને પછી નવી માટી, કાંકરી, કપચી વગેરે જેવી નવી સામગ્રી લાવીને તેના પર નવો રસ્તો બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણો કચરો ઉત્પન્ન થાય છે અને નવી સામગ્રી મેળવવા માટે કુદરતી સંસાધનોનો (જેમ કે પથ્થરો માટે ખાણકામ) ઉપયોગ કરવો પડે છે.
ગ્રીન ટેક્નોલોજી (રોડ રિસાઇક્લિંગ) કેવી રીતે કામ કરે છે?
ગ્રીન ટેક્નોલોજી, જેને ઇન-સીટુ રિસાઇક્લિંગ (In-Situ Recycling) અથવા ફૂલ ડેપ્થ રેકલેમેશન (Full Depth Reclamation – FDR) પણ કહેવામાં આવે છે, તે એક ઇકો-ફ્રેન્ડલી અને કરકસરયુક્ત પદ્ધતિ છે. આમાં જૂના રસ્તાના મટિરિયલ્સનો જ ફરીથી ઉપયોગ કરવામાં આવે છે.
આ પ્રક્રિયા નીચે મુજબ થાય છે:
1.ઇન્સ્પેક્શન અને ઇવેલ્યુશન:
Ø સૌ પ્રથમ, જે રસ્તાનું સમારકામ કરવાનું છે તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.
Ø રસ્તાના ‘બેઝ‘ (સૌથી ઉપરનું સ્તર, ડામરની નીચે) અને ‘સબ-બેઝ‘માં (બેઝની નીચેનું સ્તર, જે જમીન પર હોય છે) રહેલી સામગ્રી, તેની મજબૂતી અને નુકસાનની હદનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
2.ફ્રેક્ચરિંગ/મિલિંગ:
Ø ‘રેકલેમર‘ કે ‘મિલિંગ મશીન‘ તરીકે ઓળખાતાં વિશિષ્ટ મશીનોનો ઉપયોગ કરીને, હાલના ક્ષતિગ્રસ્ત રસ્તાના ઉપલા સ્તરો (ડામર, બેઝ અને સબ-બેઝ) ને ત્યાં ને ત્યાં જ નાના ટુકડાઓમાં તોડી નાખવામાં આવે છે. આ પ્રક્રિયાને ‘મિલિંગ‘ અથવા ‘પલ્વરાઇઝેશન‘ કહેવાય છે.
Ø આનાથી જૂના રોડની સામગ્રી (જેમ કે જૂનો ડામર, કાંકરી, માટી વગેરે) છૂટી પડી જાય છે અને નાના કણોમાં રૂપાંતરિત થાય છે.
3.કેમિકલ ઉમેરવું:
Ø જે મટિરિયલના નાના ટુકડા કરવામાં આવ્યા છે, તેમાં રાસાયણિક સ્ટેબિલાઇઝર (જેમ કે સિમેન્ટ, લાઈમ, ફ્લાય એશ, અથવા ખાસ પ્રકારના લિક્વિડ સ્ટેબિલાઇઝર) ઉમેરવામાં આવે છે.
Ø આ સ્ટેબિલાઇઝર મશીન દ્વારા મટિરિયલ સાથે સારી રીતે મિશ્ર કરવામાં આવે છે. પાણી પણ જરૂરિયાત મુજબ ઉમેરવામાં આવે છે.
4.કેમિકલી સ્ટેબિલાઇઝ્ડ બેઝ તૈયાર કરવો:
Ø કેમિકલ્સ ઉમેરાતાં જૂના મટિરિયલના કણોમાં પ્રતિક્રિયા (રિએક્શન) આવે છે. આ રાસાયણિક પ્રતિક્રિયાને કારણે મટિરિયલની બંધારણીય શક્તિ (bonding strength) વધે છે.
Ø આ મિશ્રિત સામગ્રીને પછી ગ્રેડર દ્વારા સમતલ કરવામાં આવે છે અને કોમ્પેક્ટર (રોલર) દ્વારા મજબૂત રીતે દબાવવામાં આવે છે.
Ø આ પ્રક્રિયાથી એક નવો, મજબૂત અને કેમિકલી સ્ટેબિલાઇઝ્ડ બેઝ તૈયાર થાય છે. આ બેઝ જૂના મટિરિયલનો જ બનેલો હોવા છતાં, કેમિકલ ઉમેરવાથી તેની પાણી સામેની પ્રતિકારકતા અને લોડ-બેરિંગ ક્ષમતા (ભાર વહન કરવાની ક્ષમતા) નોંધપાત્ર રીતે વધી જાય છે.
5.ઉપરનું સ્તર પાથરવું:
Ø એકવાર કેમિકલી સ્ટેબિલાઇઝ્ડ બેઝ તૈયાર થઈ જાય અને તે પૂરતી મજબૂતી મેળવી લે, પછી તેના પર ડામરનું નવું પાતળું સ્તર (સામાન્ય રીતે ઓછી જાડાઈનું) પાથરવામાં આવે છે.
આ સાથે જ ભરૂચમાં રસ્તાઓને ટકાઉ બનાવવા અને પર્યાવરણની જાળવણી માટે બિટ્યુમિનસ કોન્ક્રીટના મિશ્રણમાં પ્લાસ્ટિક કચરાને મિક્સ કરાઇ રહ્યો છે. આ પદ્ધતિથી પર્યાવરણને મોટા પ્રમાણમાં લાભ થાય છે. પ્લાસ્ટિક કચરાનો નિકાલ, કુદરતી સંસાધનોની બચત અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થવાથી આ પદ્ધતિ સર્વહિતકારી છે.
બિટ્યુમિનસ કોન્ક્રીટના મિશ્રણમાં પ્લાસ્ટિક કચરાને મિક્સ કરવાથી રસ્તાની પાણીનો ઘસારો સહન કરવાની ક્ષમતા – વોટર રેઝિસ્ટન્સ વધી જાય છે, જેના પરિણામે રોડનું આયુષ્ય વધી જાય છે.
આ ટેકનોલોજીના અમલીકરણ માટે ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા માર્ગ કક્ષાના 14.70 કિલોમીટર લાંબા પાલેજ-ઇખર-સરભાણ રોડને પસંદ કરવામાં આવ્યો છે. 08 જાન્યુઆરી, 2025ના રોજ ₹16.50 કરોડની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે અને હાલમાં કામ પ્રગતિમાં છે.
પ્લાસ્ટિક વેસ્ટથી માર્ગ નિર્માણ
ડામરના રસ્તાઓ માટે પાણી એ સૌથી મોટો દુશ્મન છે. જ્યારે પાણી રસ્તાની અંદર પ્રવેશે છે, ત્યારે તે નીચે મુજબ નુકસાન પહોંચાડે છે:
1. બિટ્યુમિન (ડામર) અને કપચી વચ્ચેનું બંધન નબળું પાડે છે (Stripping): ડામર એ એક સ્નિગ્ધ પદાર્થ છે જે કપચીઓને (aggregate) એકબીજા સાથે જોડી રાખે છે. પાણીની હાજરીમાં, ડામર અને કપચી વચ્ચેનું બંધન નબળું પડે છે, જેના કારણે કપચી ડામરમાંથી છૂટી પડવા માંડે છે. આને ‘સ્ટ્રીપિંગ‘ કહેવાય છે.
2. ખાડા પડવા (Potholes): જ્યારે પાણી રસ્તાના નાની તિરાડો કે છિદ્રોમાં પ્રવેશે છે અને પછી ઠરે છે, ત્યારે તે વિસ્તરે છે, જેનાથી તિરાડો મોટી થાય છે. વાહનોની અવરજવર સાથે, આ નબળા પડેલા ભાગો તૂટી જાય છે અને ખાડાઓ (potholes) પડી જાય છે.
3. રસ્તાની મજબૂતી ઘટાડે છે: પાણી રસ્તાના બેઝ અને સબ-બેઝમાં પણ પ્રવેશીને તેને નબળો પાડે છે, જેનાથી રસ્તાની ભાર વહન કરવાની ક્ષમતા ઘટી જાય છે.
બિટ્યુમિનસ કોન્ક્રીટમાં પ્લાસ્ટિક કચરો કેવી રીતે મદદ કરે છે?
પ્લાસ્ટિક કચરાને (ખાસ કરીને પોલિથીન, પોલિપ્રોપીલિન જેવા થર્મોપ્લાસ્ટિક્સ) યોગ્ય રીતે પ્રોસેસ કરીને બિટ્યુમિનસ કોન્ક્રીટના મિશ્રણમાં ઉમેરવામાં આવે છે, ત્યારે તે રાસાયણિક કારણોસર વોટર રેઝિસ્ટન્સને વધારે છે:
1.જળ-અભેદ્ય પડ બનાવે છે:
Ø પ્લાસ્ટિક મૂળભૂત રીતે પાણી-પ્રૂફ હોય છે. જ્યારે ઝીણા કટકા કરેલા પ્લાસ્ટિકને ગરમ બિટ્યુમિન(ડામર)માં મિક્સ કરવામાં આવે છે (વેટ પ્રોસેસ) અથવા કપચી પર કોટ કરવામાં આવે છે (ડ્રાય પ્રોસેસ), ત્યારે તે બિટ્યુમિન અને કપચીની સપાટી પર એક પાતળું, જળ-અભેદ્ય પડ (water-impermeable film) બનાવે છે.
Ø આ પડ પાણીને રસ્તાના નાના છિદ્રો કે માઈક્રો-ક્રેક્સ (સૂક્ષ્મ તિરાડો)માં પ્રવેશતા અટકાવે છે, જેથી પાણી અંદર જઈને નુકસાન કરી શકતું નથી.
2.રોડની મજબૂતાઇ:
Ø પ્લાસ્ટિક, ખાસ કરીને જ્યારે ગરમ બિટ્યુમિન સાથે ભળે છે, ત્યારે તે બિટ્યુમિનની સ્નિગ્ધતા (viscosity) અને બંધન ગુણધર્મોમાં (binding properties) ઉમેરો કરે છે.
Ø આનાથી બિટ્યુમિન કપચીના કણોને વધુ મજબૂતીથી પકડી રાખે છે. પાણીની હાજરીમાં પણ, આ બંધન એટલું સરળતાથી નબળું પડતું નથી, જે ‘સ્ટ્રીપિંગ‘ થતું અટકાવે છે.
3.છિદ્રાળુતા ઘટાડે છે:
Ø પ્લાસ્ટિકના ઉમેરાથી ડામર મિશ્રણની એકંદર છિદ્રાળુતા (porosity) ઘટી જાય છે. એટલે કે, રસ્તાના બંધારણમાં રહેલા હવાના ખાલી સ્થાનો (voids) ઓછા થાય છે.
Ø ઓછા છિદ્રોને કારણે પાણીને રસ્તાની અંદર પ્રવેશવા માટે ઓછી જગ્યા મળે છે, જેનાથી પાણીના નુકસાનનું જોખમ ઘટે છે.
4.સ્થિતિસ્થાપકતા અને લવચીકતા વધારે છે:
Ø પ્લાસ્ટિક ઉમેરવાથી ડામર મિશ્રણની સ્થિતિસ્થાપકતા અને લવચીકતા વધે છે. આનાથી રસ્તો તાપમાનના ફેરફારો (ગરમી-ઠંડી) અને વાહનોના દબાણને કારણે થતી તિરાડો સામે વધુ પ્રતિરોધક બને છે.
Ø ઓછી તિરાડો એટલે પાણીને રસ્તામાં પ્રવેશવા માટે ઓછી તકો, જે રસ્તાના આયુષ્યને લંબાવવામાં મદદ કરે છે.
5.કપચીનું પાણી શોષણ ઘટાડે છે:
Ø કેટલીક પદ્ધતિઓમાં, પ્લાસ્ટિકને ગરમ કપચી પર કોટ કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક કોટિંગ કપચીના પાણી શોષણ કરવાની ક્ષમતા ઘટાડે છે.
Ø જ્યારે કપચી પોતે ઓછું પાણી શોષે છે, ત્યારે પાણીના નુકસાનની સંભાવના પણ ઓછી થાય છે.
આ તમામ પરિબળો એકસાથે મળીને પ્લાસ્ટિક-મોડિફાઈડ બિટ્યુમિનસ કોન્ક્રીટને પાણીનો ઘસારો સહન કરવામાં વધુ સક્ષમ બનાવે છે. પરિણામે, રસ્તાની ગુણવત્તા સુધરે છે, તેનું આયુષ્ય વધે છે, અને મેઈન્ટેનન્સ ખર્ચમાં પણ ઘટાડો થાય છે, જે પર્યાવરણ અને અર્થતંત્ર બંને માટે ફાયદાકારક છે.
રોડ રિસાઇક્લિંગ અને પ્લાસ્ટિક વેસ્ટ યુઝ આ બંને પ્રોજેક્ટ્સ ગુજરાત સરકારની પર્યાવરણ સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને આધુનિક ટેકનોલોજી અપનાવીને રાજ્યના રોડ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.