રોડ-રસ્તા, ભૂવા-ખાડા, વોટર લોગીંગ જેવી કુલ ૧૬,૬૬૧ ફરિયાદોમાંથી ૧૫,૨૮૨ ફરિયાદોનો હકારાત્મક નિકાલ

File Photo
અમદાવાદ, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ – મરામત કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સીધી સૂચનાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યભરમાં પુર જોશમાં કામગીરી ચાલી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને સત્વરે રીપેરીંગ કરીને કાર્યરત કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે રાજ્યની નવી અને જૂની એમ કુલ ૧૭ મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ-રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યની મહાનગરપાલિકાઓમાં કુલ ૬૫૯ કિ.મીના બિસ્માર રોડમાંથી ૫૭૭ કિ.મી.ના રોડની મરામત તેમજ ૧૬,૮૩૨ માંથી ૧૬,૬૬૫ ખાડા પૂરી દેવાયા છે.
જેમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એમ ગુજરાતની જૂની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં યુદ્ધના ધોરણે ૯૯ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરાઈ છે. જૂની આઠ મહાનગરપાલિકામાં ૩૧૨ કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી ૩૧૦.૬૮ કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ એક સપ્તાહમાં સત્વરે પૂર્ણ કરાશે. આ ઉપરાંત કુલ ૫૫.૮૬ કિ.મીના રસ્તાઓ પર ડામરના પેચ વર્કના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
રાજ્યની આ આઠ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર ૧૫,૧૨૩ જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે ૧૫,૦૦૪ ખાડા પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ કરાશે. આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ ૧૫,૯૮૫ ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે ૧૪,૬૩૩ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે.
વધુમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વ્યાપી, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ અને પોરબંદર એમ ગુજરાતની નવી નવ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અંદાજે ૩૪૭ કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી યુદ્ધના ધોરણે ૨૬૬ કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ આગામી સમયમાં સત્વરે પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ ૧૦ કિ.મી.ના રસ્તાઓ પર ડામર પેચ વર્કના કામો પૂર્ણ કરાયા છે.
રાજ્યની આ નવ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર ૧,૭૦૯ જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે ૧,૬૬૧ ખાડા સંપૂર્ણ રીતે પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી બે દિવસમાં પૂર્ણ કરાશે. આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ ૬૭૬ ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે ૬૪૯ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરાયો છે. જ્યારે બાકીની ફરિયાદો પણ સત્વરે ઉકેલાશે.
આ ઉપરાંત રાજ્યની ભાવનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ એમ કુલ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં આવતા રસ્તાઓ પર કુલ ૨,૯૫૧ પોટહોલ્સ-ખાડા હતા તેમાંથી ૧,૮૭૮ જેટલા પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પૂરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે.
વધુમાં આ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ ૮૩૪ ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે ૮૧૮ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવી છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે તેમ, શહેરી વિકાસ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો મોબાઈલ, વોટ્સ અપ, વેબસાઈટ, હેલ્પલાઈન નંબર-ટોલફ્રી નંબર, સિવિક સેન્ટર, સ્માર્ટ સીટી એપ તેમજ મહાનગરપાલિકાઓના કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી ફરિયાદો નોંધાવે છે જેનો સબંધિત વિભાગ-અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે છે.