ડેન્ગ્યુ માટે લીધેલા 67 હજારથી વધુ સીરમમાંથી 728 કેસ ડેન્ગ્યુના જ્યારે 130 કેસ ચિકનગુનિયાના નોંધાયા

રાજ્યમાં મેલેરિયા સંવેદનશીલ ૨૧ જિલ્લાના ૧૯૬ ગામોમાં બે લાખની વસ્તીને આવરી લેતો જંતુનાશક દવાઓ છંટકાવનો પ્રથમ તબક્કો પૂર્ણ : બીજો તબક્કો પ્રથમ ઓગસ્ટથી શરૂ થશે
Ø છેલ્લા ૨૮ સપ્તાહમાં ૯૨ લાખથી વધુ લોહીના નમૂનામાંથી મેલેરિયાના કેસ માત્ર ૮૬૦
Ø ચોમાસાની ઋતુમાં વાહક જન્ય રોગોના નિયંત્રણ–સર્વેલન્સ માટે ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત
Ø રાજ્યભરમાં તા. ૦૯ થી ૨૧ જૂન, ૨૦૨૫ દરમિયાન હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી તાવ સર્વેલન્સ, પોરાનાશક સહિત આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ ઝુંબેશમાં ૯૨ ટકા વસ્તી કવર કરાઈ
Gandhinagar, રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.
જે અંતર્ગત આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૩થી છેલ્લા ૩ વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ ૪.૪૮ કરોડ કરતાં વધુ લોહીના નમૂના અને ૪.૪૬ લાખ કરતાં વધુ સીરમના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૮,૯૫૬ મેલેરિયાના કેસ, ૧૫,૮૪૧ ડેન્ગ્યુના કેસ અને ૧,૩૪૫ જેટલા ચિકાનગુનિયાના કેસ નોંધાયા હતા. જેમાં વર્ષ ૨૦૨૫માં છેલ્લા ૨૮ સપ્તાહમાં ૯૨.૮૬ લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૮૬૦ કેસ મેલેરિયાના જોવા મળ્યા છે જેને કારણે ૪૦ નાગરિકોના મૃત્યુ થયા હતા. જ્યારે ડેન્ગ્યુ તપાસ માટે ૬૭ હજારથી વધુ સીરમ લેવામાં આવ્યા હતા જેમાંથી ૭૨૮ કેસ ડેન્ગ્યુના તેમજ ૧૩૦ કેસ ચિકનગુનિયાના નોંધાયા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગોની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ રહે તે માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમ કે, મેલેરિયા માટે સંવેદનશીલ ૨૧ જિલ્લાના ૧૯૬ ગામોની અંદાજે ૨.૦૪ લાખની વસ્તીને જંતુનાશક દવા છંટકાવના તા. ૧૬ મે-૨૦૨૫થી ૧૧ જુલાઈ-૨૦૨૫ સુધીના પ્રથમ રાઉન્ડ હેઠળ આવરી લેવામાં આવી છે. જ્યારે જંતુનાશક દવા છંટકાવના બીજા રાઉન્ડની કામગીરી તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૫થી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગો માટે સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં પોરાનાશક અને તાવ સર્વેલન્સની કામગીરી સઘન રીતે હાથ ધરવા ૨,૪૬૦ વ્યક્તિઓ સાથેની કુલ ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમ મૂકવામાં આવી છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તા. ૦૯ થી ૨૧ જૂન, ૨૦૨૫ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી તાવ સર્વેલન્સ, પોરાનાશક અને આરોગ્યશિક્ષણની પ્રવૃતિ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ૯૨ ટકા વસ્તી કવર કરવામાં આવી છે. જ્યારે હાઉસ ટુ હાઉસના બીજા રાઉન્ડનું આયોજન આગામી તા. ૨૧ જુલાઇ, ૨૦૨૫થી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ૩,૪૩૧ જગ્યાએ પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી છે. આમ, વાહકજન્ય રોગોની સમગ્ર પરિસ્થિતીનું દૈનિક, અઠવાડીક અને માસિક ધોરણે મોનીટરીંગ પણ કરવામાં આવનાર છે તેમ,આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.