રશિયાને યુદ્ધ રોકવા માટે ભારત, ચીન અને બ્રાઝિલ નક્કર કાર્યવાહી કરે નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહે: NATO

નાટોની ભારત પર 100% ટેરિફ લગાવવાની ધમકી-
(એજન્સી)નવી દિલ્હી, નાટોના મહાસચિવ માર્ક રુટે બુધવારે કહ્યું હતું કે ભારત, ચીન અને બ્રાઝિલે યુક્રેન પર શાંતિ વાટાઘાટો માટે પુતિન પર દબાણ કરવું જોઈએ. રુટે કહ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ હોય કે ભારતના વડાપ્રધાન કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, તમારે સમજવું પડશે કે રશિયા સાથે વેપાર ચાલુ રાખવાથી ભારે નુકસાન થઈ શકે છે. હું આ ત્રણેય દેશના નેતાઓને અપીલ કરું છું કે તેઓ પુતિન સાથે ફોન પર વાત કરે અને તેમને શાંતિ વાટાઘાટો માટે કહે. રુટેએ ત્રણેય દેશો પર સેકન્ડરી પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી છે.
તેમણે કહ્યું હતું કે જો આ દેશો રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખશે તો આ દેશો પર ૧૦૦% સેકન્ડરી પ્રતિબંધો લાદવામાં આવશે.
રશિયાના નાયબ વિદેશમંત્રી સેર્ગેઈ રિયાબકોવે અમેરિકા અને નાટોની ધમકીઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ આવા અલ્ટિમેટમ સ્વીકાર્ય નથી. રશિયા કહે છે કે આર્થિક દબાણ છતાં તે તેની નીતિઓ બદલશે નહીં અને વૈકલ્પિક બિઝનેસ રૂટ શોધશે.
રશિયાના નાયબ વિદેશ મંત્રી સેર્ગેઈ રિયાબકોવે અમેરિકા અને નાટોની ધમકીઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, રશિયા ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ આવા અલ્ટીમેટમ સ્વીકાર્ય નથી. રશિયા કહે છે કે આર્થિક દબાણ છતાં તે તેની નીતિઓ બદલશે નહીં અને વૈકલ્પિક બિઝનેસ રુટ શોધશે. નાટો સેક્રેટરી જનરલ તરફથી આ ચેતવણી એવા સમયે આવી છે
જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને નવા હથિયારો પૂરા પાડવાની અને રશિયાના વેપાર ભાગીદારો પર ભારે ટેક્સ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકા હવે યુક્રેનને પેટ્રિયટ મિસાઇલ જેવા આધુનિક હથિયારો આપવા જઈ રહ્યું છે જેથી તે રશિયન હુમલાઓથી પોતાનું રક્ષણ કરી શકે. ટ્રમ્પે સોમવારે રશિયા પર યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે દબાણ કરવા માટે ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે હું ઘણી બાબતો માટે વેપારનો ઉપયોગ કરું છું, પરંતુ એ યુદ્ધ બંધ કરવા માટે ખૂબ જ સારું છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૫૦ દિવસની અંદર યુક્રેન સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે તો એના પર ૧૦૦% ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે આ ‘સેકન્ડરી ટેરિફ’ હશે, જેનો અર્થ એ છે કે રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો, જેમ કે ભારત અને ચીન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલનો મોટો ખરીદદાર છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી ભારતે રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદીને એની ઊર્જા જરૂરિયાતો પૂરી કરી છે. જો સેકન્ડરી પ્રતિબંધો લાદવામાં આવે તો એની ભારત પર પ્રતિકૂળ અસર પડી શકે છે. ભારત તેની કુલ ઓઈલ આયાતનો મોટો ભાગ રશિયા પાસેથી ખરીદે છે. પ્રતિબંધોને કારણે રશિયન ઓઈલનો પુરવઠો બંધ થઈ શકે છે.
આનાથી ભારતને વૈકલ્પિક સ્ત્રોતો (જેમ કે સાઉદી અરેબિયા, ઇરાક)માંથી મોંઘું ઓઈલ ખરીદવાની ફરજ પડી શકે છે, જેનાથી ઓઈલના ભાવમાં વધારો થશે. જો ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરે છે તો ઇંધણના ભાવ વધી શકે છે, જેની અસર સામાન્ય જનતા પર પડશે. જો ભારત રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખે છે તો અમેરિકા ભારતીય કંપનીઓ અથવા બેંકો પર પ્રતિબંધો લાદી શકે છે,
જેનાથી ભારતની નિકાસ અને નાણાકીય વ્યવહારો પર અસર પડશે. ચીન રશિયાનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને રશિયન ઓઈલનો મુખ્ય ખરીદદાર છે. સેકન્ડરી પ્રતિબંધોથી ચીનના અર્થતંત્રને અસર થઈ શકે છે, પરંતુ એની વૈશ્વિક આર્થિક શક્તિ તેને થોડું રક્ષણ પૂરું પાડી શકે છે. બ્રાઝિલ રશિયા પાસેથી ઓઈલ અને અન્ય ચીજવસ્તુઓ પણ ખરીદે છે. પ્રતિબંધો તેના અર્થતંત્રને, ખાસ કરીને કૃષિ અને ઊર્જાક્ષેત્રોને નુકસાન પહોંચાડી શકે છે.