પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના માટે ૨૪ હજાર કરોડની મંજૂરી

File Photo
(એજન્સી)નવી દિલ્હી, બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાંથી એક ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેબિનેટ બેઠકમાં ૨૪,૦૦૦ કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચ સાથે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે.
જેમાં ૩૬ યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. તેમજ સરકારે ગ્રીન એનર્જીમાં રોકાણ માટે એનએલસીઆઈએલને ૭,૦૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ઉપરાંત શુભાંશુ શુક્લાના અંતરિક્ષ મિશન બાદ ભારતે પોતાનું અંતરિક્ષ મથક બનાવવા તરફ વધુ એક પગલું આગળ વધાર્યું છે.
કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ માં, નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી, જેને હવે મંત્રીમંડળની મંજૂરી મળી ગઈ છે. આ યોજના હેઠળ, કૃષિ જિલ્લાઓનો વિકાસ કરવામાં આવશે. આ યોજના ઓછી ઉત્પાદકતા, પાકનું ઓછું વાવેતર અને સરેરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા ૧૦૦ જિલ્લાઓને લક્ષ્ય બનાવશે.
ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે બહુપક્ષીય અભિગમ સાથે આ યોજના તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ, પાક વૈવિધ્યકરણ, ટકાઉ અને આબોહવા-સ્થિતિસ્થાપક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, લણણી પછીની સંગ્રહ ક્ષમતા વધારવા અને ટેકનોલોજી સુધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.
કેબિનેટે સૌર, પવન અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સમાં રોકાણ વધારવા માટે એનટીપીસી ની પેટાકંપની એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડમાં રૂ. ૨૦,૦૦૦ કરોડના ઇÂક્વટી રોકાણને મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં, એનટીપીસી એ એનજીઈએલમાં રૂ. ૭,૫૦૦ કરોડનું રોકાણ કર્યું છે. ગ્રીન એનર્જી પોર્ટફોલિયોમાં હાલમાં ૬ જીડબલ્યુ કાર્યકારી ક્ષમતા અને ૨૬ જીડબલ્યુ બાંધકામ હેઠળની ક્ષમતાનો સમાવેશ થાય છે.
૨૦૩૨ સુધીમાં તેને ૬૦ જીડબલ્યુ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. આ અંગે અશ્વિની વૈષ્ણવેએ પણ સ્પષ્ટ કર્યું કે, કેબિનેટે એનટીપીસી અને એનએલસીને આ ભંડોળ એકત્ર કરવા માટે મંજૂરી આપી છે. સરકારે તેના ઉર્જા ક્ષેત્રને વિસ્તૃત કરવા માટે રૂ. ૭,૦૦૦ કરોડના પેકેજને મંજૂરી આપી છે. આ રોકાણ એનએલસી ઇન્ડિયા રિન્યુએબલ્સ લિમિટેડને ટેકો પૂરો પાડશે, જે નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની શાખા છે.
આ યોજના હેઠળ, રૂ. ૬,૨૬૩ કરોડની નવીનીકરણીય ઉર્જા સંપત્તિ એનએલસી માંથી એનઆઈઆરએલ માં ટ્રાન્સફર કરવામાં આવશે. મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આજે કેન્દ્રીય મંત્રીમંડળેઆંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથકમાંથી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના પરત ફરવા અંગે ઠરાવ પસાર કર્યો છે. આ સમગ્ર દેશ માટે ગર્વ, ગૌરવ અને ખુશીનો પ્રસંગ છે.