HIVની નવી દવાને WHOની મંજૂરી, વર્ષમાં બે વખત ડૉઝ લેવાના

(એજન્સી)નવી દિલ્હી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમના નિવારણ માટે લેનાકાપાવિરના ઉપયોગને મંજૂરી આપી છે. આ દવા એચઆઈવી નિવારણની દિશામાં અકસીર સાબિત થઈ શકે છે.
આ દવા એવા લોકો માટે જીવનરક્ષક સાબિત થઈ શકે છે, જેને એચઆઈવી એક્સપોઝરનું જોખમ વધારે હોય છે. જેમ કે, સેક્સ વર્કર અથવા એવા લોકો જે એચઆઈવી દર્દીઓની સારવાર અથવા દેખરેખના કામ સાથે જોડાયેલા છે. ડબલ્યુએચઓએ વૈશ્વિક એચઆઈવી નિવારણના પ્રયાસોને મજબૂત કરવા માટે દિશાનિર્દેશ જાહેર કર્યા અને આ દરમિયાન તેમને લાન્ગ ટર્મ સુરક્ષા આપતી આ એન્ટીરેટ્રોવાઇરલ દવાને મંજૂરી આપી.
લોનાકાપાવિરને મંજૂરી મળ્યાની જાહેરાત ૧૪ જુલાઈએ પૂર્વ આફ્રિકન દેશ રવાંડાની રાજધાની કિગાલીમાં આયોજિત ૧૩માં આંતરરાષ્ટ્રીય એઇડ્સ સોસાયટી સંમેલનમાં કરવામાં આવી હતી. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ લેનાકાપાવિરને પહેલાં જ મંજૂરી આપી દીધી હતી. એચઆઈવી નિવારણ માટે આ ઇન્જેક્શન વર્ષમાં બે વાર પ્રી-એક્સપોઝર પ્રોફિલેક્સિસ સારવારની સ્થિતિમાં આપવામાં આવે છે.
આ ઇન્જેક્શનને ૨૦૨૨માં એચઆઈવીની સારવાર માટે મંજૂરી મળી હતી. આ ટ્રાયલ દરમિયાન એચઆઈવી સંક્રમણથી બચવામાં અસરકારક સાબિત થઈ છે. અહેવાલો અનુસાર, ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એબ્રોમ એ કહ્યું કે, હજુ સુધી એચઆઈવીની રસી નથી બનાવી શક્્યા. પરંતુ, આ નવી દવા જેને વર્ષમાં ફક્ત બે વાર લેવાની જરૂર છે, તે અત્યાર સુધીની સૌથી સારી નવી દવા છે.’