અમદાવાદના નરોડા, કઠવાડા, કઠલાલ, ઓઢવ, વટવામાં સાપ નીકળવાની ઘટનામાં વધારો

ચોમાસામાં જમીનમાં પાણી જતા સાપ બહાર આવે છે અને ભેજવાળી ગરમ જગ્યા શોધે છે, નવી કન્સ્ટ્રકશન સાઈટ, મકાન-ફેકટરીઓમાં સાપ ઘૂસી જાય છે ઃ અમીત રામી
(પ્રતિનિધિ) અમદાવાદ, ચોમાસાની ઋતુમાં સાપ નીકળવાની ઘટના અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં બનતી જોવા મળે છે. આજકાલ તો સાંપ પકડવાવાળી સંસ્થાઓ પણ સતત કાર્યરત જોવા મળે છે.
આજ પ્રકારે શહેરના પાલડી વિસ્તારમાં આવેલ ગ્રુપ ઓફ એનીમલ લવર્સ અને એનીમલ કેરના અગ્રણી અમીતભાઈ રામીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ચોમાસાની સીઝનમાં જમીનમાં પાણી અંદર જવાને કારણે સાપ જમીનમાં બહાર આવે છે તેઓ સલામત સ્થળ શોધતા હોય છે. ખાસ કરીને તેઓ ભેજવાળી ગરમ જગ્યા પસંદ કરે છે. પરિણામે ઘરમાં, ફેકટરીઓમાં જયાં આ પ્રકારનું સ્થળ મળે ત્યાં છુપાઈને રહે છે.
અમદાવાદમાં સરખેજથી લઈને સાયન્સ સીટી વિસ્તારમાં સાપ મળવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે નરોડા, કઠવાડા, કઠલાલ, ઓઢવ, વટવા, નારોલ સહિતના વિસ્તારોમાં સાપ મળવાની ઘટના પ્રકાશમાં આવે છે. તદ્ઉપરાંત સેટેલાઈટ, સાયન્સ સીટી, બોપલ સહિતના વિસ્તારોમાં કે જયાં કન્સ્ટ્રકશન સાઈટ આવેલી છે ત્યાં પણ અલગ- અલગ પ્રજાતિના સાંપ મળે છે
છેલ્લા ર૦ વર્ષ કરતા વધારે સમયથી સાપ પકડીને તેને સલામત સ્થળે છોડવાની કામગીરી કરતા અમીતભાઈએ દાવો કરતા જણાવ્યુ હતું કે તેમની કારકીર્દીમાં તેમણે હજારો સાપ પકડયા છે. સાપ પકડવામાં ખૂબ જ સતર્ક રહેવુ પડે છે જો થોડાક પણ બેધ્યાન રહયા તો જીવ પર જોખમ આવી શકે છે.
ટૂંકમાં રીસ્ક ફેકટર ૧૦૦ ટકા છે તેમાંય કોબ્રા, કાળોતરા, રસેલ વાઈપર, સોસ્કેલ વાઈપર પ્રજાતિના સાપ અત્યંત ઝેરી હોય છે તે કરડે તેના લગભગ અડધા કલાકમાં સારવાર લેવી જોઈએ
મતલબ એ કે જેટલુ ઝડપી બને તેટલી ઝડપી સારવાર લેવી જરૂરી છે. આ પ્રજાતિના સાપ કરડે તો સમય બગાડ્યા સિવાય તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર જયાં સારવાર મળતી હોય ત્યાં પહોંચી જવુ જોઈએ. હાલમાં ચોમાસામાં પાણીમાં ડેંડુ નીકળે છ જે કરડવાથી માથુ દુખે છે. ચક્કર આવે છે પરંતુ આ પ્રજાતિના સાપ પણ કરડે તો તાત્કાલિક સારવાર લઈ લેવી જોઈએ.