Western Times News

Gujarati News

ભાનુબેન બાબરીયાના હસ્તે ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયોમાં ૧૬,૫૯૭ વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રથમ મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ

શિક્ષણમાં સમરસતાની સાથે પારદર્શીતાનો સમન્વય

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ ૧૬,૫૯૭ વિદ્યાર્થીઓની ઓનલાઈન મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. આજે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એમાં નવા સત્રમાં અરજી કરનાર વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડની યાદી જાહેર કરવામાં આવી છે.

આ મેરીટ યાદીમાં અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળ ૮૦ છાત્રાલયોના ૨,૨૩૧ કુમાર અને ૧,૬૭૧ કન્યા મળીને કુલ ૩,૯૦૨ વિદ્યાર્થીઓ તેમજ વિકસતી જાતિ ક્લ્યાણ હેઠળ ૫૮ છાત્રાલયોના ૧,૮૫૫ કુમાર અને ૯૬૫ કન્યા મળીને કુલ ૨,૮૨૦ વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત સમરસ છાત્રાલય સોસાયટી હેઠળના ૨૩ છાત્રાલયોના ૫,૩૨૨ કુમાર અને ૪,૫૫૩ કન્યા મળીને ૯,૮૭૫ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજોનું વેરિફિકેશન કરી વર્ષ ૨૦૨૫-૨૬ માટે છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવશે. આજે મેરીટ યાદીમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓને મોબાઈલમાં SMS માધ્યમથી જાણકારી આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના વિવિધ સરકારી છાત્રાલયો તેમજ સમરસ છાત્રાલયોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતીઆ અરજીઓની ચકાસણી બાદ મેરીટ આધારે પ્રવેશ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કેતમામ જાતિના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે રાજ્યમાં સરકારી છાત્રાલયો શરૂ કરાવવામાં આવ્યા છે. આ છાત્રાલયોમાં ધો-૧૧ થી લઈ પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ અને સગવડો સાથે પ્રવેશ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહીદઅનુસુચિત જાતિ કલ્યાણ નિયામક શ્રી રચિત રાજવિકસતી જાતિ કલ્યાણ નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.