ગુજરાતના રાજ્યપાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં કયા મુદ્દે ચર્ચા કરી?

રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ઐતિહાસિક પહેલ ગણાવી : સંશોધનોથી સ્પષ્ટ થયું છે કે, પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઓછું નથી થતું
નવી દિલ્હી, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ પ્રસંગે, બંને મહાનુભાવો વચ્ચે પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા અને તેને રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક અમલી બનાવવા અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલી કરાયેલા ‘રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન‘ની પ્રશંસા કરી અને તેને ભારતના કૃષિ ભવિષ્યની દિશામાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પહેલ ગણાવી હતી.
તેમણે કહ્યું કે, આ મિશનથી દેશભરમાં પ્રાકૃતિક ખેતી અંગે અભૂતપૂર્વ જાગૃતિ આવી છે. ખેડૂતોમાં રાસાયણિક ખેતીના દુષ્પરિણામોની સમજણ વધી છે. ખેડૂતો વૈકલ્પિક અને ટકાઉ કૃષિ પદ્ધતિ; પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રીને જાણકારી આપી હતી કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિ અપનાવીને લાખો ખેડૂતોએ ખર્ચમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતામાં વધારો અને ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો અનુભવ્યો છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે, આ દિશામાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ગુજરાતના બિન-સરકારી સંગઠનોને સામેલ કરીને પ્રાકૃતિક ખેતીને એક વ્યાપક આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને કૃષિ ક્ષેત્રમાં એક નવી હરિયાળી ક્રાંતિ લાવશે, જે રસાયણમુક્ત, પર્યાવરણને અનુકૂળ અને માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેમના સશક્ત નેતૃત્વ હેઠળ ભારત આત્મનિર્ભરતા, જૈવવિવિધતા અને ગ્રામીણ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે, પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ, પ્રાકૃતિક ખેતી મિશન માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક આદર્શ મોડેલ સાબિત થશે.