45 કિમીની નવી રેલવે લાઈનની મંજૂરી મળતાં સોમનાથ – દ્વારકા – ઓખા – પોરબંદરને જોડાશે

ભાવનગરના સરાડીયા અને વાંસજાળીયા આશરે 45 કિમી નવી લાઇન માટે રૂ. 1.125 કરોડનાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણની મંજૂરી
ગુજરાતના દૂરના વિસ્તારોને જોડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સરાડીયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે 45 કિમી) માટે રૂ. 1,12,50,000/-નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણ (FLS) કાર્યને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ નવી લાઈન બાબતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના સતત પ્રયાસો અને માર્ગદર્શન થકી ગુજરાતને રેલવે મંત્રાલય દ્વારા આ ભેટ મળી છે.
સરાડીયા- વાંસજાળીયા નવી લાઇનનો આ નવો પ્રોજેક્ટ નીચેના લાભો પ્રદાન કરશે:
● ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના દૂરના વિસ્તારોના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે.
● સોમનાથ – દ્વારકા – ઓખા – પોરબંદરને જોડતો વધારાનો અને ટૂંકો માર્ગ.
● ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા યાત્રાધામો માટે વધારાનો માર્ગ.
● ભારતીય રેલવેના સિદ્ધાંતો અનુસાર સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવા માટે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર સરાડીયા-વાંસજાળીયા વચ્ચેની 45 કિમી લાઇન ખુલવાથી ગુજરાતના સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસ થશે. આ વિસ્તાર ભારતીય રેલવેના મુખ્ય પ્રવાહ સાથે જોડાશે, જેનાથી અહીંના લોકોને રેલવે દ્વારા દેશના અન્ય વિસ્તારોમાં મુસાફરી કરવાની સુવિધા મળશે. સોમનાથ-દ્વારકા-ઓખા-પોરબંદરને જોડતો એક વધારાનો અને ટૂંકો માર્ગ ઉપલબ્ધ થશે. આ લાઇન ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા તીર્થસ્થળો માટે વધારાનો માર્ગ પૂરો પાડશે.
સરાડિયા ગામ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહત્વપૂર્ણ છે કારણ કે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધી જેવા મહાનુભાવોએ વિવિધ રાજકીય અને સ્વતંત્રતા સંબંધિત કારણોસર અહીં મુલાકાત લીધી છે. વાંસજાળીયા રેલવે સ્ટેશન ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલું એક રેલવે સ્ટેશન છે. તે પોરબંદરથી 34 કિમી દૂર છે. પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેન અહીં રોકાય છે.