સર્પનું માનવજીવન સાથે સહઃઅસ્તિત્વના મહત્વ વિશે “સમજીએ સર્પ અને સર્પદંશ” વિષય પર ચર્ચા કરાઈ

વિશ્વ સર્પ દિવસ – ૨૦૨૫ નિમિત્તે ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે “સમજીએ સર્પ અને સર્પદંશ” વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર, સાપ એ પ્રકૃતિનું અજોડ સર્જન છે, જે પર્યાવરણની સુંદરતા અને સંતુલનનો એક અભિન્ન ભાગ છે. કુદરતે રચેલી આહારશૃંખલા મુજબ સાપ નાના પ્રાણીઓ અને જીવ જંતુઓના ભક્ષણ થકી તેમની વસ્તીને નિયંત્રિત કરીને પર્યાવરણની સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આમ, સાપના પારિસ્થિતિકીય મહત્વને ઉજાગર કરવા અને તેમના સંરક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવાના હેતુસર દર વર્ષે તા. ૧૬ જુલાઈના રોજ ‘વિશ્વ સર્પ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
‘ગીર’ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા વિશ્વ સર્પ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગ રૂપે આજે “સમજીએ સર્પ અને સર્પદંશ” વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પલ્બિલ હેલ્થ, ગાંધીનગરના ૬૦ તાલીમાર્થીઓ અને ૧૦ ફેકલ્ટીઓ સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં ‘ગીર’ ફાઉન્ડેશનના નાયબ નિયામક શ્રી અમિતકુમાર નાયક અને ડૉ. રેણુકા દેસાઈએ તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને સર્પ તેમજ સર્પનું માનવજીવન સાથે સહઃઅસ્તિત્વના મહત્વ વિશે ચર્ચા કરી હતી.
વધુમાં ‘ગીર’ ફાઉન્ડેશનના વૈજ્ઞાનિક ડૉ. સંદિપ મુંજપરા દ્વારા સાપનું પારિસ્થિતિકીય તંત્રમાં મહત્વ, પોષણ જાળમાં મહત્વ, સાપના સંરક્ષણનું મહત્વ અને જરૂરિયાત વિષે માહિતી આપી હતી. આ ઉપરાંત વેટરનરી ઓફિસર, ડૉ. અનિકેત પટેલ, દ્વારા સર્પદંશ અને તેની સારવાર વિષય પર ચર્ચા અને વિસ્તૃત સમજ આપી હતી.