પહેલગામ હુમલા પછી આતંકવાદીઓએ જશ્ન મનાવ્યો હતોઃ એનઆઈએનો ખુલાસો

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૬ લોકોની હત્યા પછી આતંકવાદીઓએ ઘટનાસ્થળ પર જશ્ન મનાવ્યો હતો. આતંકવાદીઓએ નિર્દાેષ પ્રવાસી લોકોની હત્યા કર્યા પછી ઉજવણી કરવા માટે ઘટનાસ્થળે કેટલાય રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ ખુલાસો રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)ની તપાસમાં થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ત્રણ આતંકવાદીઓએ હુમલો કર્યાે હતો.
ઘટના પછી તરત જ એક સ્થાનિક વ્યક્તિએ આતંકીઓને હવામાં ફાયરિંગ કરતા જોયા હતા. આ વ્યક્તિ હવે એનઆઈએ માટે મહત્વનો સાક્ષી બની ગયો છે. આ સાક્ષીએ જણાવ્યું કે ઘટના પછી જ્યારે એ બાયસરન પરત ફરી રહ્યો હતો, તો આતંકવાદીઓએ તેને રોક્યો અને લગભગ ચાર રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું.
હુમલાના સમયે બે સ્થાનિક વ્યક્તિ – પરવેઝ અહમદ જોઠાર અને બશીર અહમદ બાયસરનમાં આતંકવાદીઓના સામાનની દેખરેખ રાખી રહ્યા હતા. આ બંનેની પણ એનઆઈએ દ્વારા ગત મહિને ધરપકડ કરાઈ છે.
ત્રણેય આતંકવાદી પાકિસ્તાનમાંથી આવ્યા હતા અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. હુમલાનો માસ્ટર માઈન્ડ લશ્કરનો કમાન્ડર હાશિમ મૂસા ઉર્ફે સુલેમાન હોવાની વિગતો મળી રહી છે. જે પહેલા પણ કાશ્મીરમાં કેટલાક મોટા હુમલામાં સામેલ રહ્યો છે. સુલેમાન પર સોનમર્ગની એક ટનલ પર સાત મજૂરોની હત્યા કરવાનો આક્ષેપ પણ છે.
પરવેઝે પૂછપરછમાં કબુલાત કરી કે ઘટનાના એક દિવસ પહેલા ત્રણેય આતંકી તેના ઘરે આવ્યા હતા. તેમણે પરિવારની સાથે ભોજન લીધું, બાયસરનના રસ્તાઓની માહિતી મેળવી અને જતા સમયે થોડાક પૈસા પણ આપ્યા હતા. બીજા દિવસે બપોરે તેને બાયસરન ખીણમાં પહોંચવાનું કહ્યું હતું.SS1MS