અમદાવાદની ડેનિમ કંપનીને દિલ્હીના બે વેપારીએ ૧.૭૭ કરોડનો ચૂનો લગાવ્યો

અમદાવાદ, અમદાવાદના કાપડના વેપારીઓ માત્ર ગુજરાત કે ભારત નહીં, પરંતુ દુનિયાભરના દેશોમાં ધંધો કરી રહ્યા છે ત્યારે ચોક્કસ વેપારીઓ દ્વારા માલ ખરીદીને રૂપિયા આપવામાં આનાકાની કરવામાં આવતી હોય છે. આવી જ રીતે સૈજપુરની સિટાડેલ ટેક્સ્ટાઇલના સંચાલકોએ દિલ્હીના બે વેપારીને કરોડો રૂપિયાનું ડેનિમ કપડું ઉધાર આપ્યું હતું.
આ વેપારીઓએ અમુક રૂપિયા ચૂકવ્યા હતા જ્યારે બાકીના રૂ. ૧.૭૭ કરોડ ન ચૂકવીને ઠગાઇ આચરી હતી. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.સિટાડેલ ટેક્સ્ટાઇલના ડાયરેક્ટર મિશાલ પરીખ અને તેજસ પટેલ છે.
જ્યારે નિકુંજ દવે એચઆર મેનેજેર છે. નિકુંજ દવેએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની કંપની દ્વારા ન્યુ દિલ્હી ખાતેની બેસ્ટ પોલીકેમ પ્રા.લિ નામની કંપનીને રૂ. ૯.૬૮ કરોડનું કપડું એક મહિનાની ક્રેડિટ પર આપ્યું હતું. જે પૈકી બેસ્ટ પોલીકેમના સંચાલકો ગંગાપ્રસાદ શુકલા તથા સલીલ ધવને ટુકડે ટુકડે ૯.૫૯ કરોડની ચૂકવણી કરી હતી જ્યારે બાકીના ૮.૩૭ લાખની ઉઘરાણી બાકી છે.
આવી જ રીતે દિલ્હીની બીજી કંપની શેષ એન્ટરપ્રાઇઝના સંચાલક સંજીવ ધવને પણ સિટાડેલ ટેક્સ્ટાઇલ પાસેથી ૪.૮૦ કરોડનું ડેનિમ ખરીદ્યું હતું. જે પૈકી ૩.૧૨ કરોડ ચૂકવ્યા હતા જ્યારે બાકીના ૧.૬૮ કરોડ રૂપિયા નહીં ચૂકવીને ઠગાઇ કરી હતી.
દિલ્હીના આ બન્ને વેપારીએ અમદાવાદથી રૂ. ૧૪.૪૮ કરોડના કાપડની ખરીદી કરી સામે ૧૨.૭૨ કરોડ ચૂકવી બાકીના ૧.૭૭ કરોડ નહીં ચૂકવી ઠગાઇ કરી છે. જે અંગે વેપારીની ફરીયાદને આધારે ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખા તથા ન્યુ ક્લોથ માર્કેટ વિંગ શરૂ કરવામાં આવી છે કે જ્યાં આવી ઠગાઇનો ભોગ બનેલા વેપારીઓ પોતાની ફરિયાદ નોંધાવી શકે, પરંતુ આશ્ચર્યજનક રીતે ઠગાઇની ફરિયાદ લઇને આવતા વેપારીઓને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.
જો ચોક્કસ રેફરન્સ કે ભલામણ હોય તો જ આવી ઠગાઇની ફરિયાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા લેવામાં આવે છે અને તેની તપાસ કરવામાં આવતી હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યાે છે.SS1MS