શેરવાનીનું બટન તૂટવાની તકરારમાં મિત્રએ યુવકના પેટમાં છરી મારી દીધી

પ્રતિકાત્મક
અમદાવાદ, મેઘાણીનગર વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્રના ઘરે પહોંચ્યો હતો. યુવકે તેના મિત્રને ઘર નીચે બોલાવી શેરવાનીનું બટન તૂટી ગયું હોવાથી ૫૦૦ રૂપિયા ખર્ચ પેટે માગ્યા હતા.
આ મામલે તકરાર થતા યુવક તેના મિત્રને છરીના ઘા મારી લોહીલુહાણ કરી પલાયન થઇ ગયો હતો. જેથી ઘાયલને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ મામલે મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.
મેઘાણીનગર વિસ્તારમાં ૧૬ વર્ષિય નાથુરામ પુન્નીલાલ દોહે પોતાના દીકરા અજીતસિંહ સાથે રહે છે. ગઇકાલે સાંજે પાંચ વાગ્યે અજીતસિંહ ઘરે આવ્યો હતો અને રાત્રે તે ઘરે આરામ કરી રહ્યો હતો. ત્યારે ત્યાં રહેતો વિજેન્દ્ર ઓઝા ઘરે આવ્યો હતો અને ગાળો બોલી અજીતસિંહને ઘર નીચે બોલાવ્યો હતો. જેથી અજીતસિંહ અને નાથુરામ ઘર નીચે ગયા હતા.
ત્યારે વિજેન્દ્રએ જણાવ્યું હતું કે, તું મારી શેરવાની લઇ ગયો હતો જેના બટન તૂટી ગયા છે તે નખાવા ૫૦૦ રૂપિયા થાય તું કેમ આપતો નથી. જેથી અજીતસિંહે તેને સમજાવવા પ્રયત્ન કર્યાે હતો. પરંતુ વિજેન્દ્ર ઉશ્કેરાઇ ગયો હતો અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન વિજેન્દ્રએ છરી કાઢી હતી અને અજીતસિંહના પેટમાં મારી દીધી હતી. જેથી તે લોહીલુહાણ થઇ નીચે પટકાયો હતો.
આ દરમિયાન બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી ગયા હતા. ત્યારે વિજેન્દ્ર પોતાનું વ્હીકલ લઇ ત્યાંથી પલાયન થઇ ગયો હતો. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં અજીતસિંહને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ મામલે નાથુરામે વિજેન્દ્ર સામે ફરિયાદ નોંધાવતા મેઘાણીનગર પોલીસે આરોપીની શોધખોળ આદરી છે.SS1MS