દિનેશ વિજાન ‘વાર ૨’ સાથે આયુષ્માન અને રશ્મિકાની ‘થામા’નું ટીઝર લોંચ કરશે

મુંબઈ, કોવિડ પછી દિનેશ વિજાને પોતાનું હોરર કોમેડી યુનિવર્સ વિકસાવ્યું છે. જેમાં ભેડિયા, મુંજ્યા અને સ્ત્રી ૨ જેવી ફિલ્મ આવી છે. હવે ફરી ૨૦૨૫ની દિવાળી પર ઓડિયન્સને આ યુનિવર્સની વધુ એક ફિલ્મ થામા રિલીઝ થઈ રહી છે. તેમાં આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે.
આ ઉપરાંત તેમાં પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દિકી જેવા કલાકારો પણ મહત્વના રોલમાં હશે. દિનેશ વિજાનની આ ફિલ્મ સાથે જોડાયેલા સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, દિનેશ વિજાન સ્વાતંર્ત્ય દિવસના વીકેન્ડ પર થામાનું ટીઝર લોંચ કરશે.
સુત્રએ જણાવ્યું છે, “દિનેશ વિજાન રિતિક રોશન અને જુનિયર એનટીઆરની વાર ૨ સાથે સ્વાતંર્ત્ય દિવસના વિકેન્ડમાં થામાનું ટીઝર લોંચ કરવા માટે દેશભરનાં એક્ઝિબિટર્સ સાથે વાત કરી રહ્યા છે. તેઓ સહમત પણ થયા છે આ યુનિવર્સની વધુ એક ફિલ્મનાં પ્રકરણની ઝલક બતાવવા ઉત્સુક છે. “
સુત્રએ આગળ એવું પણ જણાવ્યું કે થિયેટરમાં ફિલ્મ જોવા જતાં ઓડિયન્સને આ ફિલ્મની ઝલક મોટા પડદે બતાવાય અને તેમને જાણ કરવામાં આવે કે ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ રહી છે. અન્ય એક સુત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, થામાનું ટીઝર એવું હશે જે જોઇને લોકોનું મગજ ચકરાઈ જશે, કારણ કે તે દર્શકોને અલગ જ દુનિયામાં લઈ જશે.
આ હિન્દી સિનેમાની પહેલી વેમ્પાયર ફિલ્મ છે, જેમાં એ લિસ્ટનાં કલાકારો છે. મેડોકની અન્ય ફિલ્મની જેમ કોમેડી અને થ્રિલથી ભરપુર હશે. આ ફિલ્મમાં વરુણ ધવનનો એક કેમિયો પણ જોવા મળશે. કારણકે વરુણ ધવનની મેડોકની ફિલ્મ ભેડિયાના ડિરેક્ટર આદિત્ય સતપોદાર આગળ જઈને વેમ્પાયર વર્સીસ વેરવુલ્ફની વાત આ યુનિવર્સમાં સમાવવા માગે છે.SS1MS