તિહાર જેલના કેદીઓને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી થતા ફાયદાઓ સમજાવ્યા ગુજરાતના રાજ્યપાલે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના અનુભવો વર્ણવીને કેદીઓ તથા જેલ સ્ટાફને માર્ગદર્શન આપ્યું-તિહાર જેલ પરિસરમાં ‘એક કદમ પ્રાકૃતિક કૃષિ કી ઓર’ વિષયક વિશેષ કાર્યક્રમ યોજાયો
પ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ પ્રદ્ધતિ નથી, તે પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ માટે એક વિશાળ જન આંદોલન છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
તિહાર જેલમાં શરૂ થયેલી પ્રાકૃતિક ખેતી કેદીઓ માટે આત્મનિર્ભરતાનું માધ્યમ બનશે, પ્રાકૃતિક કૃષિ પેદાશોનું ‘તિહાર હાટ‘ દ્વારા વેચાણ કરાશે : દિલ્હી સરકારના ગૃહમંત્રી શ્રી આશિષ સૂદ
નવી દિલ્હી, તિહાર જેલના પરિસરમાં ‘એક કદમ પ્રાકૃતિક કૃષિ કી ઓર‘ વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રાકૃતિક કૃષિ અંગેના અનુભવો વર્ણવ્યા હતા અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે, દિલ્હી સરકારના ગૃહ, ઉર્જા અને શિક્ષણ મંત્રી શ્રી આશિષ સૂદ, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી એ. અન્બરાસુ તેમજ જેલના ડિરેક્ટર જનરલ શ્રી સતીશ ગોલચા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તિહાર જેલ પરિસરમાં ઉપલબ્ધ ખેતીલાયક જમીન પર પ્રાકૃતિક ખેતી કરવા તથા જેલમાં રહેલા કેદીઓને પણ આ પદ્ધતિની તાલીમ આપવાનું સૂચન કર્યું હતું, જેથી જેલમાંથી બહાર આવ્યા પછી કેદીઓ ફરીથી સમાજમાં સન્માનજનક જીવન જીવી શકે અને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે.
પ્રધાનમંત્રીના આ સર્જનાત્મક અને પુનર્વસનલક્ષી વિચારને અનુલક્ષીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તિહાર જેલમાં જેલ વહીવટીતંત્ર અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કેદીઓને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી થતા ફાયદાઓ સમજાવ્યા હતા. આ ઉપરાંત, તેમણે પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક આધાર, માટી અને પર્યાવરણનું રક્ષણ, માનવ સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન જેવા મહત્વપૂર્ણ પાસાઓ અંગે માહિતી આપી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રેરણાદાયી સંબોધનમાં રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવો વિશે કહ્યું કે, રાસાયણિક ખેતી લાંબા ગાળે જમીનની ફળદ્રુપતાને તો નષ્ટ કરે જ છે, પણ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે પણ અત્યંત હાનિકારક છે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો અંધાધુંધ ઉપયોગ જમીનની જૈવિક રચનાને નુકસાન પહોંચાડે છે, પાણીને પ્રદૂષિત કરે છે અને તેનાથી ઉત્પાદિત અનાજમાં પોષક તત્વોની માત્રામાં પણ ઘટાડો કરે છે, જેનાથી આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે.
રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક-જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો મૂળભૂત તફાવત સમજાવતાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ ઝીરો બજેટ, ટકાઉ અને સર્વાંગી ખેતી પદ્ધતિ છે, જે ખેડૂતની આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે અને પર્યાવરણના સંરક્ષણમાં પણ મદદ કરે છે. તેમણે કહ્યું કે, આ પદ્ધતિમાં ગાયના છાણ, ગૌમૂત્ર અને પ્રાકૃતિક ખાતર જેવા સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતાને પુનર્જીવિત કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી, માટે ખેતીનો ખર્ચ ઘણો ઓછો થાય છે. પરિણામે, ઉત્પાદન સ્વસ્થ, પૌષ્ટિક અને સંપૂર્ણપણે રસાયણમુક્ત બને છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
તેમણે એમ પણ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ભૂગર્ભજળ અને જૈવવિવિધતાનું રક્ષણ જ નથી કરતી, પરંતુ ખેડૂતોને બાહ્ય ઇનપુટ્સ અને લોનના બોજમાંથી પણ મુક્ત કરે છે, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બને છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેદીઓને પ્રાકૃતિક ખેતીને માત્ર કૃષિ તકનીક તરીકે નહીં, પરંતુ પર્યાવરણીય સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ માટે એક વિશાળ જન આંદોલન તરીકે ગણવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ પદ્ધતિ માત્ર ખેતીનું ભવિષ્ય જ નથી, પરંતુ એક નવી જીવનશૈલીનો માર્ગ પણ પ્રશસ્ત કરે છે.
દિલ્હી સરકારના ગૃહ, ઉર્જા અને શિક્ષણ મંત્રી શ્રી આશિષ સૂદે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનની પ્રશંસા કરતાં કહ્યું કે, ગુજરાતમાં 9.5 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે કહ્યું કે, તિહારમાં શરૂ થયેલી પ્રાકૃતિક ખેતી કેદીઓ માટે ના માત્ર આત્મનિર્ભરતાનું સાધન બનશે, તેનાથી ઉત્પાદિત પેદાશોનો ઉપયોગ જેલના રસોડામાં પણ થશે અને વધારાની પેદાશોનું ‘તિહાર હાટ‘ દ્વારા વેચાણ કરવામાં આવશે.
આ પ્રસંગે મહાનુભાવોએ સેન્ટ્રલ જેલ નંબર 1 ની મુલાકાત લીધી હતી, જ્યાં કેદીઓની મદદથી પ્રાકૃતિક ખેતી શરૂ કરવામાં આવી રહી છે. મહાનુભાવોએ સેન્ટ્રલ જેલ નંબર 4 ની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમને જેલમાં સ્થાપિત આર્ટ ગેલેરી અને જ્યુટ બેગ, LED યુનિટ વગેરે જેવી ઇન-હાઉસ ઉત્પાદન પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
જેલના ડિરેક્ટર જનરલ શ્રી સતીશ ગોલચાએ મહેમાનોનું સ્વાગત કરતાં, કેદીઓના કલ્યાણ માટે જેલ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિવિધ પહેલો અને જેલમાં શરૂ કરવામાં આવેલી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી હતી.