ઉમરેઠ તાલુકામાંથી પસાર થતી મહી કેનાલનાં જર્જરીત પુલ વાહનોની અવરજવર માટે બંધ કરાયા

ઉમરેઠનાં બેચરી ગામે મહી કેનાલનો પુલ વાહનોની અવરજવર માટે બંધ કરાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો
(પ્રતિનિધિ) ઉમરેઠ, ઉમરેઠ તાલુકામાંથી અનેક ગામો પાસેથી મહી કેનાલ પસાર થઈ રહી છે. આ કેનાલ ઉપર બનાવેલા કેટલાક પૂલ જર્જરીત થવા પામ્યા છે. આ જર્જરીત થયેલા પૂલને કારણે કોઈ અકસ્માત સર્જાય નહી તે હેતુથી આણંદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી બંધ કરવામાં આવી રહ્યા છે. રતનપુરા ગામેથી પસાર થતી કેનાલ ઉપરનો પુલ જર્જરીત હાલતમાં હોવાથી પુલનાં છેડે દિવાલ બનાવી ભારે વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે.
આ ઉપરાંત ઉમરેઠનાં બેચરી ગામેથી પસાર થતી મહી કેનાલ ઉપરનો પુલ જર્જરીત હાલતમાં હોવાથી બંધ કરવાની કામગીરી કરવા સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો કેનાલનાં પુલ ઉપર ઉમટી પડ્યા હતા અને મહી કેનાલનાં અધિકારીઓને કામ કરતા અટકાવી, વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો.
બેચરી ગામેથી પસાર થતી આ મહી કેનાલનો પુલ ઉમરેઠથી સુંદલપુરા, સાવલી, વડોદરાને જોડતા માર્ગ ઉપર આવેલો છે. સાવલી અને વડોદરા નોકરી-ધંધે જતા લોકો આ માર્ગનો વધુ ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત આજુબાજુનાં ગામડાઓને ઉમરેઠ સાથે જોડતો માર્ગ હોવાથી વાહનોનો મોટા પ્રમાણમાં ધસારો હોય છે. વળી, બેચરી, સુરેલી, સુંદલપુરા, લાલપુરા જેવા અનેક ગામોમાંથી ઉમરેઠ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
બેચરી ખાતેનો આ પુલ બંધ થાય તો ગ્રામજનોને ઉમરેઠ શહેર તરફ જવા તથા કેનાલની પસાર કરી સામેની તરફ ખેતરોમાં જવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેથી ગ્રામજનો દ્વારા પુલ બંધ કરવા બાબતે વિરોધ કરાયો હતો. પુલ ઉપરથી લોડીંગ અને મોટા વાહનોની અવરજવર બંધ કરી દ્ધિચક્રી વાહનો માટે ચાલુ રાખવાની માંગણી કરાઈ હતી.
બીજી તરફ જોખમી અને જર્જરીત પુલ ઉપરથી લોડીંગ વાહનો પણ પસાર થઈ રહ્યા હોવાથી અકસ્માત સર્જાવાની શક્યતાઓ રહેલી હોવાથી આણંદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી પુલનાં છેડે દિવાલ બનાવી પુલ ઉપરથી વાહનોની અવરજવર બંધ કરવાન કામગીરી કરવામાં આવી હતી તે સમયે બેચરીનાં ગ્રામજનો દ્વારા હોબાળો કરાયો હતો. ઉમરેઠ સ્થાનિક પોલિસ ઘટના સ્થળે પહોંચી જઈ ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.