કોંગ્રેસનો ધરણાનો શરૂ થાય તે પહેલાં જ પાલિકાએ રોડ બનાવવાનું ચાલુ કરતાં કાર્યક્રમનું સુરસુરિયું થયું

જંબુસર નગરપાલિકા દ્વારા આ બિસ્માર રોડની આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી-જંબુસર ટંકારી ભાગોળથી ડેપો સુધીના રોડ મુદ્દે કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુરિયું
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર નગર ના ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો રોડ ખખડધજ અને બિમાર બન્યો હતો.જંબુસર નગરપાલિકા દ્વારા આ બિસ્માર રોડની આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.વધુ વરસાદ વરસતા આ રોડની કામગીરી બંધ કરી દેવાતા રોડની કામગીરી શરૂ થાય
તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ડેપોથી ટંકારી ભાગોળના રોડ મુદ્દે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની પુનઃ કામગીરી શરૂ કરાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુરીયું થયું હતું.
જંબુસર નગરનો મુખ્ય માર્ગ જે જંબુસર તાલુકાની જનતા અવરજવર કરે છે.ડેપોથી ટંકારી ભાગોળનો રોડ એટલો બધો ખખડધજ બિસ્માર બન્યો હતો કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.ઘણી વખત આ રોડ પરના ખાડાઓમાં વાહનો પટકાયા ના બનાવો પણ બનવા પામ્યા હતા. જંબુસર નગરપાલિકા દ્વારા આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વરસાદ વરસ્યો હતો અને રોડની કામગીરી બંધ કરવામાં આવી હતી.
તે સમય દરમિયાન વરસતા વરસાદમાં રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો હતો.કામગીરી ફરી શરૂ ન થતા કોંગ્રેસ દ્વારા રોડની કામગીરી કરવા અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,માજી ધારાસભ્ય સંજય સોલંકી,શહેર પ્રમુખ ઈરફાન પટેલ, નગરપાલિકા વિરોધ પક્ષ નેતા સાકીર મલેક, તાલુકા પ્રમુખ શરદસિંહ રણા,નરેન્દ્રભાઈ પટેલ, ભરૂચ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ ભરત ગોહિલ સહિત હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની કામગીરી બાબતે ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ સવારે રોડની કામગીરી પુનઃ શરૂ કરી દેવાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુરિયું થઈ ગયું હતું.
આ બાબતે ભરૂચ જિલ્લા પ્રમુખે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ભાજપા ભ્રષ્ટાચાર સિવાય કશું નથી જંબુસર શહેર સહિત જિલ્લાના રોડની દયનીય હાલત છે.જંબુસર નગરના મુખ્ય માર્ગ માટે સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરતા આરસીસી રોડ મંજૂર કરાયો હતો. જાન્યુઆરીથી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.છતાંય સત્તાધીશોએ કાળજી ન રાખી કામગીરી માટે ચોમાસુ લાવી દીધું,ચાલુ વરસાદે કામ કરાતું હોય કમિશનરે કામ બંધ કરાવવાનો ઓર્ડર આપ્યો હતો.ચોમાસા પહેલા આ રોડની કામગીરી કરવાની હતી.
આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થશે કંબોઈ હજારો દર્શનાર્થીઓ આવશે તે આ રોડ પરથી પસાર થશે,આ રોડની ખરાબ હાલત એટલા માટે છે કે જંબુસરના કમલમમાં કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરે આપેલી છે તેની તપાસ કરવાની જરૂર છે આ કોન્ટ્રાક્ટર ચાલુ વરસાદે કામ કરતા હતા તો બ્લેકલિસ્ટ કેમ ન કરાયા એની તપાસ થવી જોઈએ આ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે આ આંદોલન ડીલે કરીએ છીએ.