થોડા વર્ષ પહેલા 30 લાખના ખર્ચે શરૂ થયેલ મઢી કિનારે સ્મશાનની કામગીરી અધુરી રહેતા લોકો વ્યથિત

ઝઘડિયા નજીક મઢી કિનારે આવેલ સ્મશાનમાં અપુરતી સુવિધાઓને લઈને લોકોને હાલાકી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક મઢી નર્મદા કિનારે આવેલ સ્મશાનના સ્થળે યોગ્ય સુવિધાઓના અભાવે મૃતદેહોને અગ્નિદાહ આપવા આવતા લોકોને હાલાકી પડતી હોવાની વાતો સામે આવી છે.
મળતી વિગતો અનુસાર ઝઘડિયા નજીકના મઢી નર્મદા કિનારે આવેલ આ સ્મશાન માટેની કામગીરી થોડા વરસ પહેલા શરૂ કરવામાં આવી હતી. પરંતું અંદાજે ત્રીસેક લાખ રૂપિયાના ખર્ચે પુર્ણ થનાર આ કામગીરી શરૂ થયા બાદ અધુરી રહી છે.સ્મશાનના સ્થળે જે જરૂરી સુવિધાઓ ઉભી કરવાની હતી તેની કામગીરી અધુરી રહેતા તાલુકાની જનતા તકલીફ ભોગવી રહી છે,
સ્મશાનની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કામગીરી અધુરી કેમ છોડી દીધી? સ્મશાનની અધુરી કામગીરી બાબતે સ્થાનિક નેતાગીરીનો વિવાદ કે અન્ય કોઇ કારણ જવાબદાર છે?એવા સવાલો તાલુકાની જનતામાં ઉઠી રહ્યા છે.ગમેતે કારણ હોય પરંતું જનતાના નશીબમાં તો હાલ હાડમારી ભોગવવાનું જ લખેલ હોય એમ જણાય છે! આ સ્મશાનનો ઉપયોગ ઝઘડિયા સહિત વીસેક જેટલા ગામોના લોકો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા કરે છે.
સ્મશાનના સ્થળે સંડાસ વોશબેસીન જેવી સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં નહિ હોઈ લોકો વ્યથા અનુભવતા જોવા મળે છે. ઉપરાંત સ્મશાન ગૃહમાં પાણીની વ્યવસ્થા નહીં હોય મૃતદેહોને સ્નાન કરાવવા ઘણીવાર નીચે નર્મદામાંથી ડોલ ભરીને પાણી લાવવું પડતું હોવાની ચર્ચાઓ પણ સામે આવી છે.વળી સ્મશાને જવાના રસ્તા પર ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાઈ રહેતું હોવાની સમસ્યા પણ જણાય છે.હાલમાં આ સ્મશાન ઘર સુધી પહોંચવા માટે જે આશરે ૧૦૦ મીટરનો સીસી રોડ બનાવ્યો છે
તેના પર મોટાપાયે વરસાદી પાણી ભરાઈ જતું હોય પગપાળા અથવા બાઈક પર સ્મશાન ઘર સુધી પહોંચી શકાતું નથી, ફરજીયાત તમારે ટ્રેક્ટર અથવા ટેમ્પામાં જ વું પડે તેવી પરિસ્થિતિ હાલમાં છે.
ચોમાસાની સિઝનમાં મૃતદેહને અગ્નિદાહ આપવા માટે ખૂબ ભારે જહેમત સ્થાનિકોએ ઉઠાવી પડે છે, ત્યારે ઝઘડિયા પંથકની જનતા મઢી કિનારે આવેલ આ સ્મશાનની અધુરી કામગીરી તાકીદે પુર્ણ કરવા અને સુવિધાયુક્ત સ્મશાન સ્થાનીકો?ને મળે તે માટે તંત્ર આગળ આવે તેવું નાગરિકો ઈચ્છે છે.