Western Times News

Gujarati News

લશ્‍કર-એ-તૈયબા સાથે જોડાયેલા TRFને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું

File Photo

 ધ રેઝિસ્‍ટન્‍સ ફ્રન્‍ટ (TRF) એ ૨૨ એપ્રિલે જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી.

વોશીંગ્‍ટન, એક મોટું પગલું ભરતા અમેરિકાએ પાકિસ્‍તાન સ્‍થિત આતંકવાદી સંગઠન લશ્‍કર-એ-તૈયબા સાથે જોડાયેલા ધ રેઝિસ્‍ટન્‍સ ફ્રન્‍ટ (TRF) ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ગુરુવારે આ માહિતી આપી. રુબિયોએ કહ્યું કે આ કાર્યવાહી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની પહેલગામ આતંકવાદી હુમલા માટે ન્‍યાય અપાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિબિત કરે છે.

આ એ જ સંગઠન છે જેણે ૨૨ એપ્રિલે જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. રેઝિસ્‍ટન્‍સ ફ્રન્‍ટ (TRF) એ પાકિસ્‍તાન સ્‍થિત આતંકવાદી જૂથ લશ્‍કર-એ-તૈયબા (LeT) નું એક ફ્રન્‍ટ સંગઠન છે અને કાશ્‍મીરમાં આતંકવાદી હુમલાઓ કરે છે. યુએસ સેક્રેટરી ઓફ સ્‍ટેટ માર્કો રુબિયોએ આતંકવાદી જૂથને લશ્‍કર-એ-તૈયબાનો મોરચો ગણાવ્‍યો, જેનું મુખ્‍ય મથક પાકિસ્‍તાનમાં સ્‍થિત યુએન દ્વારા નિયુક્‍ત આતંકવાદી જૂથ છે.

એક નિવેદનમાં, રુબિયોએ જણાવ્‍યું હતું કે TRF ને આતંકવાદી સંગઠન તરીકે નિયુક્‍ત કરવું એ ટ્રમ્‍પ વહીવટીતંત્રની આપણા રાષ્ટ્રીય સુરક્ષા હિતોનું રક્ષણ કરવા, આતંકવાદ સામે લડવા અને પહેલગામ હુમલા માટે ન્‍યાય મેળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિબિત કરે છે. TRF એ પહેલગામ હુમલાની જવાબદારી સ્‍વીકારી હતી, જેને યુએસ અધિકારીઓએ લશ્‍કર-એ-તૈયબા દ્વારા ૨૦૦૮ માં થયેલા મુંબઈ હુમલા પછી ભારતમાં નાગરિકો પરનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો ગણાવ્‍યો હતો.

અમેરિકા દ્વારા TRF ને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે નિયુક્‍ત કરવાથી તેના સભ્‍યો પર કડક નાણાકીય અને મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવશે, અને આતંકવાદ વિરોધી પ્રયાસોમાં વૈશ્વિક ભાગીદારો સાથે વોશિગ્‍ટનના સહયોગને વધુ મજબૂત બનાવશે. યુએસ સ્‍ટેટ ડિપાર્ટમેન્‍ટે કહ્યું કે આ આતંકવાદી જૂથ ભારતીય સુરક્ષા દળોને નિશાન બનાવતા અનેક હુમલાઓ સાથે પણ જોડાયેલું છે.

આ વર્ષે ૨૨ એપ્રિલે, સશષા આતંકવાદીઓએ જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં બૈસરન ખીણમાં ઘૂસીને પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આ હુમલાથી સમગ્ર ભારતમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

અમેરિકા સહિત ઘણા વૈશ્વિક દેશોએ આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે એકતા વ્‍યક્‍ત કરી. આ આતંકવાદી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તરત જ વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીને ફોન કર્યો હતો અને મૃતકો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે ઉભું છે અને નવી દિલ્‍હીને શક્‍ય તમામ સહાય પૂરી પાડે છે.

અમેરિકી રાષ્ટ્રપતિનો આભાર માનતા, વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત આ કાયર હુમલાના ગુનેગારો અને તેમને આશ્રય આપનારાઓને ન્‍યાયના કઠેડામાં લાવવા માટે કટિબદ્ધ છે. આ પછી, ૭ મેની સવારે, ભારતીય સેનાએ પાકિસ્‍તાન અને પાકિસ્‍તાન અધિકૃત કાશ્‍મીરમાં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.