Western Times News

Gujarati News

જે ‘સૈયારા’ બનાવવા કોઈ તૈયાર નહોતું એણે બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું

મુંબઈ, યશરાજ ફિલ્મ્સે ભલે ‘સૈયારા’નું પ્રમોશન ન કર્યું તેમ છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાલ બતાવવાનું શરૂ કરી દીધું છે. એડવાન્સ બૂકિંગ રેકોર્ડ બ્રેક કરે એવું થયું છે, ૧૮ જુલાઈએ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

આ બાબતથી ઘણા લોકોને આશ્ચર્ય પણ થઈ રહ્યું છે. છેલ્લાં ઘણા સમયથી બોલિવૂડમાં કોઈ લાગણીપ્રધાન ભાવનાત્મક રોમેન્ટિક ફિલ્મ બની નથી.

છેલ્લા ઘણા સમયથી એક્શન અને કન્ટેન્ટ આધારીત ગંભીર ફિલ્મ બની છે. ત્યારે ‘સૈયારા’ને મળેલા એડવાન્સ બૂકિંગથી એ વાતનો ખ્યાલ આવે છે કે યંગ ઓડિયન્સને પણ રોમેન્ટિક ફિલ્મ ગમે છે.આવું કંઈ પહેલી વખત નથી થયું, ‘સનમ તેરી કસમ’ની રીરિલીઝને મળેલી અચાનક સફળતા હોય કે પછી ‘રોકસ્ટાર’, ‘લૈલા મજનુ’ કે ‘વીરઝારા’ની વાત કરીએ તો તેમાં પણ આ જ બાબત જોવા મળે છે.

આ બધી ફિલ્મની વાર્તાઓ લાગણીપ્રધાન હતી.જો ‘સૈયારા’ના એડવાન્સ બૂકિંગની વાત કરવામાં આવે તો આ ફિલ્મની એડવાન્સ બૂકિંગે ‘હાઉસફુલ ૫’ અને ‘રેડ ૨’ને પણ પાછળ રાખી દીધા છે.

અત્યાર સુધીમાં દેશના નેશનલ ચેઇન મલ્ટિપ્લેક્સ પીવીઆર, આઇનોક્સ અને સિનેપોલિસમાં જ ૧૭ જુલાઈની સાંજ સુધીમાં ૧,૨૦,૦૦૦ ટિકિટ બૂક થઈ છે. હજુ આ આંકડો ૧,૭૫,૦૦૦ જેટલી ટિકિટનું એડવાન્સ બૂકિંગ થવાની શક્યતા છે.‘હાઉસફુલ ૫’ની ૯૫૦૦૦ ટિકિટ બૂક થઈ છે, ‘રેડ ૨’ની ૯૩૦૦૦ ટિકિટ બૂક થઈ હતી.

૨૦૨૫માં આ પહેલાં સલમાન ખાનની સિકંદરની ૧,૪૩,૦૦૦ ટિકિટ બૂક થઈ હતી અને વિકી કૌશલની ‘છાવા’ની ૨,૨૫,૦૦૦ ટિકિટ બૂક થઈ હતી. ત્યારે ‘સૈયારા’ના આ એડવાન્સ બૂકિંગના આધારે તેમને લગભગ ૨૦ કરોડનું બૂકિંગ મળશે એવી અપેક્ષા છે. એવી પણ ચર્ચા છે કે યશરાજ સ્ટુડિયો ધીરે ધીરે ફિલ્મની સફળતા મુજબ સ્ક્રીન પણ વધારશે.

હાલ ફિલ્મ ૧૭૫૦ સ્ક્રીનમાં રિલીઝ થવાની છે.આ પહેલાં મોહિત સુરી ‘આશિકી ૨’, ‘એક વિલન’, ‘હાફ ગર્લળેન્ડ’ અને ‘આવારાપન’ જેવી રોમેન્ટિક ફિલ્મ બનાવી ચૂક્યા છે.

આ બધી ફિલ્મની ખાસિયત એ હતી કે, બધી જ ફિલ્મ ભાવનાસભર રોમેન્ટિક લવ સ્ટોરી હતી. ‘સૈયારા’ પણ એક એવી જ ફિલ્મ છે. છતાં જ્યારે મોહિત સુરીએ આ ફિલ્મ બનાવવા વિચાર્યું તો તેમને ઘણા લોકોએ અટકાવ્યા હતા. આ મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં અહાન પાંડે અને અનીત પડ્ડા નામના બે નવોદિત કલાકારો છે.

એક ઇન્ટરવ્યૂમાં મોહિત સુરીએ જણાવ્યું કે આ ફિલ્મ એક ‘યંગસ્ટર લવ સ્ટોરી’ છે. તેમણે જણાવ્યું, “આ માર્કેટમાં યંગસ્ટર અને નવા કલાકારો કે લવ સ્ટોરી માટે કોઈ ફિલ્મ બનાવશે નહીં, આ જમાનામાં હવે બધાને બ્લોકબસ્ટર ફિલ્મ, ભવ્યાતિ ભવ્ય સેનિમા જ લોકોને ગમે છે.”ત્યાં સુધીમાં મોહિત સુરીની ફિલ્મ લખાઈ ચુકી હતી, તેણે યશરાજ સાથે આ ફિલ્મ અંગે વાત કરી અને તેનું કામ બની ગયું. પરંતુ વાયઆરએફને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી અને તેઓ આવી કોઈ સ્ક્રિપ્ટની જ રાહમાં હતા.

ખરેખર તો ‘સૈયારા’ પહેલાં ‘આશિકી ૩’ નામથી બનવાની હતી કારણ કે મોહિત સુરી ભુષણ કુમાર અને મુકેશ ભટ્ટ સાથે આ ફિલ્મ બનાવવાના હતા. મોહિત સુરીએ જણાવ્યું, “એમને બહુ ઉતાવળ હતી અને ફિલ્મની તરત જ જાહેરાત કરી દેવી હતી, તે મને યોગ્ય લાગતું નહોતું. હું પહેલાં સ્ક્રિપ્ટ તૈયાર કરીને પછી ફિલ્મની જાહેરાત કરવામાં માનું છું.”‘સૈયારા’ને સેન્સર બોર્ડે યૂએ ૧૬+ સર્ટિફિકેટ આપ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.