વિવિધ મટિરિયલમાંથી આકર્ષક ડિઝાઈનની ખુરશીઓ NID ખાતે તૈયાર કરાઈ

અમદાવાદ-NID ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલી આકર્ષક ખુરશીઓનું એક્ઝિબિશન યોજાયું
NID એક્વેરિયમ ખાતે ૧૮મી જુલાઈ સુધી ‘સીટ-ચ્યુએશન: ડિઝાઇન પ્રોજેક્ટ વન’ એક્ઝિબિશનનું આયોજન
અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન-NIDના બેચલર ઇન ડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી આકર્ષક ખુરશીઓના એક્ઝિબિશન ‘સીટ-ચ્યુએશન: ડિઝાઇન પ્રોજેક્ટ વન’નું NID એક્વેરિયમ ખાતે આયોજન કરાયું છે. જે આવતીકાલ તા. ૧૮ જુલાઈ સુધી નીહાળી શકાશે.
આ એક્ઝિબિશનમાં NIDમાં ફર્નિચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મટિરિયલમાંથી અવનવી ડિઝાઇનની આકર્ષક ખુરશીઓ બનાવીને રજૂ કરવામાં આવી છે.
જેમાં ટિકવુડ અને કોટન પટ્ટીમાંથી તૈયાર કરેલી લો સીટિંગ માટેની રુઆ ખુરશી, ટિકવુડ અને કેનમાંથી બનેલી વજનમાં હળવી એવી તાના ખુરશી, ટિકવુડ અને કેનમાંથી બનેલી તમિલનાડુના સાંસ્કૃતિક વારસાને દર્શાવતી અગમ ખુરશી, કેનવાસ અને મેટલમાંથી બનેલી પક્ષીના માળા જેવી ડિઝાઇનની ઘોસલા ખુરશી, સાગ અને મેટલ રિંગમાંથી બનેલી આહાર ખુરશી, મેટલ અને ફ્લેક્સિપ્લાયમાંથી બનેલી આટમ ખુરશી અને ટિકવુડમાંથી બનેલી તપશીલ ખુરશી જેવી વિવિધ ડિઝાઇન રજૂ કરવામાં આવી છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન-NIDના પ્રોફેસર એલ.સી ઉજાવને અને ગાર્ગી રાય ચૌધરીના માર્ગદર્શનમાં સુશ્રી વૈદેહી ઝા, સુશ્રી ભાવિકા શર્મા, સુશ્રી અબીરામી બી, અભિષેક રાજગુરુ, વંશ પટેલ, કવિશ હરિહરણ અને રાજ ઠાકરે સહિતના વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલી આ તમામ પ્રકારની ખુરશીઓ સાંસ્કૃતિક રીતે, આધ્યાત્મિક રીતે, ભોજનમાં, વાંચનમાં તથા આરામ માટે ઉપયોગી નીવડે તે પ્રકારે તૈયાર કરવામાં આવી છે.