BMWના ચાલકે વૃધ્ધને ફૂટબોલની જેમ 20 ફૂટ ફંગોળ્યા પછી ગાડી ઝાડમાં અથડાવી

ગાંધીનગર, ગાંધીનગરમાં ગુરૂવારે સવારના સમયે સરગાસણની ટીપી ૯ વિસ્તારમાં રોકેટ ગતિએ દોડતી બીએમડબલ્યુના ચાલકે મોપેડ ઉપર જઈ રહેલા વૃધ્ધને અડફેટે લીધા હતા અને ત્યારબાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી.
જે ગંભીર અકસ્માતમાં વળદ્ધનું સ્થળ ઉપર જ મોત થયું હતું. ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ કારચાલકને માર માર્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. રાજકોટમાં યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક આવેલા બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા દીપકભાઈ કારિયાના પુત્ર વત્સલ કારિયાએ ગાંધીનગરમાં વહેલી સવારે બીએમડબલ્યુ કાર પૂરપાટ ઝડપે ચલાવી એક્ટિવા સવાર વૃધ્ધને ફૂટબોલની માફક ફંગોળીને વૃધ્ધનો જીવ લીધાની ઘટના ગાંધીનગરના અડાલજ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે વત્સલની ધરપકડ કરી છે. ડ્રીંક કરેલો હોવાની આશંકાએ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.
પાટનગર ગાંધીનગર શહેરના પહોળા માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આસપાસના વિસ્તારમાં પણ આ જ પ્રકારના બનાવો રોજ બહાર આવી રહ્યા છે ત્યારે ગઈકાલે વહેલી સવારે સરગાસણના ટીપી ૯ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો.
જેમાં પુર ઝડપે જઈ રહેલી બીએમડબલ્યુ કારના ચાલકે વળદ્ધને અડફેટ લેતા તેમનું મોત થયું હતું. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરગાસણમાં આવેલી પ્રમુખ એસોસિએશનમાં એફ-૩૦૪માં રહેતા ૬૯ વર્ષીય મુકુલરાજમોહન રામેશ્વરપ્રસાદ મિશ્રા ગઈકાલે સવારના સમયે તેમનું મોપેડ લઈને દૂધ લેવા જવા માટે ઘરેથી નીકળ્યા હતા તે દરમિયાન આ વિસ્તારમાં અનિર્દેશ બંગ્લોઝની પાસે રોડ ઉપર વળાંક લઇ રહ્યા હતા
તે સમયે પૂર ઝડપે આવી રહેલી બીએમડબલ્યુના કાર ચાલકે તેમના મોપેડ સાથે ધડાકાભેર અકસ્માત સર્જી દીધો હતો અને જેના કારણે મુકુલ રાજમોહન ૨૦ ફૂટ સુધી ઉછાળ્યા હતા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું.
અકસ્માત બાદ કાર રોડ સાઈડમાં ઝાડ સાથે અથડાઈ ગઈ હતી અને આ અકસ્માતને કારણે તેની તમામ એર બેગ પણ ખુલી ગઈ હતી. ધડાકાભેર અવાજ આવતા આસપાસના વસાહતીઓ પણ દોડી આવ્યા હતા અને કાર ચાલકને ત્યાં જ ઝડપી લીધો હતો અને મેથીપાક પણ ચખાડયો હતો. અકસ્માતની ઘટનાને પગલે અડાલજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.
જ્યાં તપાસ કરતાં મુકુલ રાજમોહનનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે તેમના પુત્ર ભરતમોહનની ફરિયાદના આધારે કાર ચાલક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા રાજકોટના વત્સલ દીપકભાઈ કરિયાની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે સરગાસણ ખાતે રહેતા સસરાના ઘરે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.