ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઈકોર્ટ સરકારની કામગીરી સામે લાલઘૂમ

ચોમાસા પહેલા અને પછી પુલનું ઈન્સ્પેક્શન કરવાનું હોવા છતાં આ દુર્ઘટના શા માટે ઘટી તે અંગે સવાલ કર્યો
(એજન્સી)અમદાવાદ, વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે. વધુ એક પુલ તૂટવાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરતા હાઈકોર્ટે પુલના ઈન્સ્પેક્શનની કામગીરી પર ધારદાર સવાલો ઉઠાવ્યા હતા.
કોર્ટે માર્ગ અને મકાન વિભાગની કામગીરી મુદ્દે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે ખાસ કરીને ચોમાસા પહેલા અને પછી પુલનું ઈન્સ્પેક્શન કરવાનું હોવા છતાં આ દુર્ઘટના શા માટે ઘટી તે અંગે સવાલ કર્યો હતો.
રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માફી માંગી હતી. તેમણે કોર્ટને માહિતી આપી હતી કે હાલ તમામ સંબંધિત અધિકારીઓ પાસેથી તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આ ઘટનાએ રાજ્યના માળખાકીય સુવિધાઓના નિરીક્ષણ અને જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાઈકોર્ટની આ કડક ટિપ્પણી બાદ હવે સરકાર પર જવાબદારી અને પારદર્શિતા વધારવા દબાણ વધી ગયું છે.
મહત્વનું છે કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી છે, જે કેસની આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં આજે યોજાયેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલની બેન્ચમાં વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે.