જસ્ટિસ યશવંત વર્માએ તપાસ અહેવાલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

નવી દિલ્હી, અલ્હાબાદ હાઈકોર્ટના જજ યશવંત વર્માએ તેમના ઘરમાંથી નોંધપાત્ર બળેલી ચલણી નોટો મળવાના કેસમાં ઈન-હાઉસ તપાસ પેનલના અહેવાલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે છે. જસ્ટિસ વર્માએ જણાવ્યું કે, તેમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી તે ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ હતી અને તેમને પોતાનો પક્ષ રજૂ કરવા તક અપાઈ નહોતી.
સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પીટિશનમાં જસ્ટિસ વર્માએ તત્કાલિન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ ૮મી મેના તપાસ અહેવાલને આધારે સંસદને મહાભિયોગની કાર્યવાહી અંગે કરેલી ભલામણ રદ કરવા દાદ માંગી હતી.
૨૧ જુલાઈથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થશે અને સરકાર જસ્ટિસ વર્માને હટાવવા દરખાસ્ત રજૂ કરે તેવી સંભાવના છે. જસ્ટિસ વર્માએ પીટિશનમાં જણાવ્યું કે, ઈન હાઉસ તપાસ અહેવાલમાં તેમને સ્વયંને નિર્દાેષ હોવાનું પુરવાર કરવા જણાવાયું હતું, જે કાયદા વિરુદ્ધ છે. તપાસ સમિતિના તારણો પૂર્વનિર્ધારિત હતા અને તપાસ ઝડપથી પૂર્ણ કરવાનો ઉદ્દેશ હતો.
આ પીટિશન સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ સુનાવણી માટે હજુ લિસ્ટ થવાની બાકી છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે, ન્યાયધીશ વર્મા અને તેમના પરિવારના સભ્યોનું તેમના ઘરમાં આવેલા સ્ટોરૂમમાં ગુપ્ત અને સક્રિય નિયંત્રણ હતું, જ્યાંથી બળેલી ચલણી નોટોનો નોંધપાત્ર જથ્થો પકડાયો હતો. આ પુરાવો તેમની ગેરવર્તણૂક તથા પદ પરથી હટાવવા પૂરતો છે.SS1MS