થીંક ટેન્ક તરીકે ‘‘ગ્રીટ’’ની કાર્યપદ્ધતિથી વિકસિત ભારત@2047 માટે ગુજરાત લીડ લેશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની નવનિર્મિત કચેરીનું ઉદઘાટન-વેબસાઈટ તથા ડિજિટલ ડેશબોર્ડના લોન્ચિંગ કર્યા : મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને વરિષ્ઠ સચિવોની પ્રેરક ઉપસ્થિતિ :
Ahmedabad, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવામાં ‘ગ્રીટ’ GRITની કાર્યપદ્ધતિ અને સફળતાપૂર્ણ વ્યૂહરચનાઓના પરિણામે ગુજરાત લીડ લેવા સજ્જ છે. રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓના નેતૃત્વ માટે થીંક ટેન્ક તરીકે કાર્ય કરવાના હેતુસર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની રચના કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ ‘ગ્રીટ’ની નવનિર્મિત કચેરીનું ગાંધીનગરમાં ઉદઘાટન કર્યું હતું. તેમણે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીની ઉપસ્થિતિમાં ‘ગ્રીટ’ની વેબસાઈટ તેમજ ડિજિટલ ડેશબોર્ડના લોન્ચિંગ અને ‘ગ્રીટ’ દ્વારા ઊંડાણપૂર્વક તૈયાર કરાયેલા પોલીસી પેપર્સ, વર્કશોપ અહેવાલો અને સેક્ટર સ્પેસિફિક ડીપ ડાઇવ સ્ટડી રિપોર્ટ્સના અનાવરણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત જે સેક્ટર્સમાં આગળ છે તેને વધુ ગતિએ અગ્રેસર બનાવવામાં તેમજ અન્ય જરૂરિયાતવાળા સેક્ટરમાં વધુ આગળ વધવા માટેના આયોજનબદ્ધ સુઝાવો માટે ‘ગ્રીટ’ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે તેમ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના આપેલા સંકલ્પમાં વિકસિત ગુજરાતથી છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં સાંકળી લેવાની આપણી પ્રતિબદ્ધતામાં ‘ગ્રીટ’ જેવા ઇન્સ્ટિટ્યૂટના સૂચનો-ભલામણો માર્ગદર્શક બનશે તેમ પણ તેમણે ‘ગ્રીટ’ની યુવા કર્મયોગીઓની ટીમને પ્રોત્સાહિત કરતાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કરાવેલી વેબસાઈટ પર ‘ગ્રીટ’નું વિઝન અને મિશન, ગવર્નિંગ બોડી અને ‘ગ્રીટ’ના કાર્યોની વિગતો, નીતિવિષયક પેપર, સંશોધન અહેવાલ, ઇકોનોમિક માસ્ટર પ્લાન્ટ અન્વયેના પ્રોજેક્ટ્સની વિગતો વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
‘ગ્રીટ’નું ડિજિટલ ડેશબોર્ડ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની નિયમિત સમીક્ષા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. GRIT દ્વારા તૈયાર કરાયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજોનું પણ જે અનાવરણ મુખ્યમંત્રીશ્રીએ કર્યુ તેમાં બ્લુ સ્કાય પોલિસી અને ઇ-વેસ્ટ મેનેજમેન્ટ પોલિસી પર નીતિ નોંધો, પાકની લણણી પછીના નુકસાન, ફાર્મા સેક્ટર ગ્રીન મેન્યુફેક્ચરિંગમાં વર્તમાન પરિસ્થિતિ અને તકો, પ્રથમ ૧૦૦૦ દિવસોમાં પોષણ, મૂલ્યાંકન ક્ષમતાને મજબૂત બનાવવી જેવા વિષયો પરના વર્કશોપ અહેવાલનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ GRIT દ્વારા ગુજરાતમાં મેડિકલ વેલ્યુ ટુરિઝમ (MVT) વધારવા, રાજ્યની ફિનટેક ઇકો સિસ્ટમને મજબૂત બનાવવા અને નિકાસ કામગીરીમાં સુધારો કરવા અને રાજ્યના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રના ઝડપી વિકાસ માટે સંસ્થાકીય પદ્ધતિઓ બનાવવા જેવા વિષયો પર હાથ ધરવામાં આવેલા ડીપ ડાઇવ સ્ટડીઝ પરના અહેવાલોનું પણ અનાવરણ કર્યું હતું.
GRITના મુખ્ય કારોબારી અધિકરીશ્રી એસ. અપર્ણા IAS (નિવૃત્ત) એ તમામ ઉપસ્થિતોનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં કહ્યું કે, GRIT રાજ્ય સરકાર માટે વ્યૂહાત્મક દૂરંદેશી, ડેટા-આધારિત ભલામણો અને અહેવાલો વિકાસ માટે એકીકૃત અભિગમ સાથે કાર્ય પ્રદાન કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવી ભવિષ્યલક્ષી પહેલો ગુજરાતના લાંબા ગાળાના વિકાસ લક્ષ્યો તરફ સતત પ્રગતિને પ્રતિબિંબિત કરવા સાથે વિકસિત ભારતના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણમાં અર્થપૂર્ણ યોગદાન આપશે તેવા વિશ્વાસ સાથે ‘ગ્રીટ’ની નવનિર્મિત કચેરીની કામગીરી તથા ડિજિટલ ડેશબોર્ડ પર ડેટા નિરીક્ષણ પણ કર્યું હતું.
આયોજન પ્રભાગના સચિવ આગ્રવાલે સૌ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સચિવશ્રીઓ તેમજ નોલેજ પાર્ટનર્સ અને રિસચર્સ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.