અંબાજીમાં સમારકામની કામગીરીને કારણએ રોપવે સેવા ૫ દિવસ બંધ રહેશે

(એજન્સી)અંબાજી, સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પર આવેલા રોપ-વેની સેવા આવતી કાલે તા. ૨૧ જુલાઈથી ૨૫ જુલાઈ ૨૦૨૫ સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાર્ષિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે.
યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાંચ દિવસ દરમિયાન ભક્તો માતાજીના દર્શન માટે પગથિયાં દ્વારા ગબ્બર પર્વત સુધી પહોંચી શકશે. રોપ-વેની વાર્ષિક સાર-સંભાળની કામગીરી પૂર્ણ થયા બાદ, ૨૬ જુલાઈ ૨૦૨૫થી સેવા રાબેતા મુજબ પુનઃ શરૂ કરવામાં આવશે. આ સમારકામ દરમિયાન તમામ સલામતી માપદંડોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. યાત્રિકો મંદિરમાં માતાજીના દર્શન કરીને ગબ્બર દર્શન માટે જતા હોય છે. યાત્રિકો માટે ગબ્બર ચડવા રોપ-વેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
ત્યારે તંત્ર દ્વારા નિયત સમયગાળામાં રોપ-વેની જાળવણી પણ ખુબ જરૂરી બને છે. મહત્વનું છે કે, હવે રોપ વે નાં મેન્ટેનન્સની કામગીરીને લઇ આગામી ૫ દિવસ સુધી આ રોપ વે બંધ રહેશે. એટલે કે, આગામી ૨૧ થી ૨૫ જુલાઈ સુધી રોપ વે સેવા બંધ રહેશે. આ રોપ વે બંધ કરાતા ભક્તોને ગબ્બર ચાલતા ચડવું પડશે. ૨૬ જુલાઈથી રોપ વે સુવિધા ફરી ચાલુ કરવામાં આવશે.
મંદિર ટ્રસ્ટના સૂત્રોના કહેવા મુજબ શક્તિપીઠ અંબાજીના ગબ્બર ઉડન ખટોલાની રોપ-વે સેવા ૦૫ દિવસ બંધ કરાશે. ૨૧/૦૭/૨૦૨૫ થી ૨૫/૦૭/૨૦૨૫ સુધી રોપવેના મેન્ટેનન્સની કામગીરી કરાશે, અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ રોપવે દ્વારા માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા રોપ વે દ્વારા જતા હોય છે, ત્યારે યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે રોપ-વેની સાર સંભાળ (મેન્ટેનેન્સ) કરવાનું થતું હોઈ રોપ વે સેવા બંધ રહેશે.
આ વર્ષે ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળા આયોજનને લઈને કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમ નિમિતે પરંપરાગત મેળાનું આયોજન થાય છે.