ક્વિક પેમેન્ટમાં ભારતનો ડંકો, જૂનમાં યુપીઆઈથી ૨૪.૦૩ લાખ કરોડનું પેમેન્ટ થયું

નવી દિલ્હી, ક્વિક પેમેન્ટ ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્યો છે અને તે વિશ્વના અન્ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું છે. એક રિપોર્ટ મુજબ જૂનમાં ભારતમાં યુપીઆઇ થકી ૧૮.૩૯ અબજ ટ્રાન્ઝેક્શન્સનું પ્રોસેસ થયું હતું જે સૌથી વધુ નોંધાયું હતું.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના જણાવ્યા મુજબ ભારતમાં યુપાઈ સોદાનું મૂલ્ય ૨૪.૦૩ લાખ કરોડને આંબી ગયું હતું જે વિશ્વના અન્ય દેશોની તુલનાએ સૌથી વધુ છે.
ગત વર્ષે જૂનમાં ૧૩.૮૮ અબજ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા હતા. એક વર્ષના સમયગાળામાં ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ૩૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં યુપીઆઈ ૮૫ ટકા હિસ્સો ધરાવે છે અને દુનિયાભરમાં તમામ રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ્સમાં ૫૦ ટકા હિસ્સો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
યુપીઆઈ પ્રતિદિન ૬૫ કરોડ સોદાનું સંચાલન થઈ રહ્યું છે જે વૈશ્વિક અગ્રણી વિઝાની તુલનાએ ઘણા વધારે છે. વિઝા દ્વારા દૈનિક ૬૩.૯ કરોડ ટ્રાન્ઝેક્શન થાય છે. યુપીઆઇએ આ સિદ્ધિ ફક્ત નવ વર્ષના સમયગાળામાં હાંસલ કરી હોવાથી તે વધુ મહત્વપૂર્ણ છે.
આ પ્લેટફોર્મનો હાલમાં ૪૯.૧ કરોડ વ્યક્તિગત લોકો તથા ૬.૫ કરોડ વેપારીઓ ઉપયોગ કરી રહ્યા છે અને સિંગલ સિસ્ટમ દ્વારા ૬૭૫ બેન્કોને જોડવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નાણાં સેવા તથા નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવામાં યુપીઆઇનો મહત્વનો ફાળો રહ્યો છે.
ભારત દ્વારા કેવી રીતે ડિજિટલ ગ્રાઉન્ડવર્ક તથા મજબૂત વિઝન અને ટેન્કોલોજીનો ઉપયોગ કરીને ઈન્ક્લુઝિવ ગ્રોથ હાંસલ કરાયો તેને આઈએમએફના રિપોર્ટમાં ઉજાગર કરાયો છે.યુપીઆઈ ભારત સુધી સિમિત ના રહેતા યુએઈ, સિંગાપોર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ અને મોરેશિયસ સહિત સાત દેશોમાં સક્રિય રીતે કામગીરી ધરાવે છે.
ફ્રાન્સમાં આ સેવાનો પ્રારંભ થતા યુરોપ પ્રવાસે જતા ભારતીયોને સરળતાથી પેમેન્ટ કરવાનો વિકલ્પ મળી રહે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પાેરેશન ઓફ ઈન્ડિયાએ ૨૦૧૬માં યુપીઆઇ સેવા પેમેન્ટ સિસ્ટમ તરીકે લોન્ચ કરી હતી જે આજે જાહેર ડિજિટલ માળખામાં વૈશ્વિક માપદંડ ગણાય છે.SS1MS