કાવડ યાત્રીઓનો ધસારો, વિવિધ માર્ગ અકસ્માતમાં ૬નાં મોત

હરિદ્વાર, ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાના પ્રારંભથી જ કાવડ યાત્રીઓનો જમાવડો જોવા મળતો હોય છે. રવિવારે દિલ્હી-દહેરાદૂન હાઈવે પર ગંગા કેનાલ રોડ ખાતે કાવડ યાત્રીઓનો ભારે ધસારો નોંધાયો હતો.
દેશમાં વિવિધ સ્થળે કાવડિયાઓને અકસ્માત નડ્યો હતો જેમાં ૬નાં મોત અને ૨૦ ઘાયલ થયા હતા.ઉત્તરાખંડના હરિદ્વારથી હજારોની સંખ્યામાં શિવ ભક્તો ગંગા નદીનું પવિત્ર જળ ભરીને પરત ફર્યા ત્યારે મુઝફ્ફરનગરમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરીને તેમનું અભિવાદન કર્યું હતું.૨૩ જુલાઈએ આ યાત્રાનું સમાપન થઈ રહ્યું છે ત્યારે છેલ્લી ઘડીએ કાવડિયાઓનો એકાએક ધસારો વધી ગયો હતો.
દિલ્હી-હરિદ્વાર નેશનલ હાઈવે પર યુપીના મુઝફ્ફરનગર જિલ્લાનીહદમાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં બે કાવડિયાનાં મોત નિપજ્યા હતા તથા આઠ ઘાયલ થયા હતા.
ગાઝિયાબાદ ખાતે રોંગ સાઈડમાં પૂરપાટ આવી રહેલી એમ્બ્યુલન્સે મોટરસાઈકલ અને સ્કૂટીને ટક્કર મારતાં ત્રણ કાવડિયા મોતને ભેટ્યા હતા.ઉત્તરાખંડના નવી તેહરી ખાતે શિવ ભક્તોને પરત લઈને ફરી રહેલી એક ટ્રક પલટી જતા ૧૪ ઘવાયા હતા.
ઓડિશાના નયાગઢ જિલ્લામાં દારાપાડા નજીક પિક-અપ વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતાં એક મહિલા કાવડયાત્રીનું મોત અને છ લોકોને ઈજા થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.SS1MS