જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ માટે ૧૦૦ સાંસદોએ હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી, કેશકાંડમાં ફસાયેલા જસ્ટિસ યશવંત વર્માને હટાવવા માટે સંસદમાં દરખાસ્ત લાવવા માટેની નોટિસ પર ૧૦૦થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, જે લોકસભામાં મહાભિયોગ લાવવા માટે જરૂરી મર્યાદા કરતાં વધુ છે.
આમ એકરીતે જસ્ટિસ વર્માની હકાલપટ્ટી લગભગ નિશ્ચિત મનાઇ રહી છે.સર્વપક્ષીય બેઠક પછી કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રવિવારે જણાવ્યું હતું કે હસ્તાક્ષરની કવાયત ચાલું છે અને અને તે પહેલાથી જ ૧૦૦નો આંક વટાવી ગઈ છે.
હવે બિઝનેસ એડવાઇઝરી કમિટી સંબંધિત ગૃહમાં આ એજન્ડાને નક્કી કરશે અને દરખાસ્ત રજૂ કરવાનો નિર્ણ. કરશે. ન્યાયાધીશને હટાવવાના પ્રસ્તાવ પર લોકસભાના ઓછામાં ઓછા ૧૦૦ અને રાજ્યસભાના ઓછામાં ઓછા ૫૦ સાંસદોની સહી જરૂરી છે.
આ દરખાસ્ત નીચલા ગૃહમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. સોમવારથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર સાથે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે સંસદના આ સેશન દરમિયાન આ પ્રસ્તાવ લાવશે અને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધના આ પગલામાં વિપક્ષ સહિત વિવિધ પક્ષોનો ટેકો મળી રહ્યો છે.
સેશનના પહેલા અઠવાડિયામાં પ્રસ્તાવ લાવવામાં આવશે કે નહીં તેવા સવાલના જવાબમાં રિજિજુએ જણાવ્યું હતું કે હું પ્રાથમિકતાના સંદર્ભમાં કોઈપણ કાર્ય પર ટિપ્પણી કરી શકુ નહીં, કારણ કે બિઝનેસ એડવાઇઝરી કમિટિના અધ્યક્ષની મંજૂરી ન આપે ત્યાં સુધી મારા માટે સંસદની બહાર જાહેરાત કરવી યોગ્ય નથી. તમામ રાજકીય પક્ષો જસ્ટિસ વર્માને દૂર કરવા માટે એકજૂથ છે.
અહીં ઉલ્લેખનીય છે કે માર્ચમાં દિલ્હી હાઈકોર્ટના તત્કાલીન ન્યાયાધીશ વર્માના નિવાસસ્થાને આગની ઘટના બાદ તેમના આઉટહાઉસમાંથી બળી ગયેલા ચલણી નોટોનો મોટા જથ્થા મળી આવ્યા હતા.
ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ નિયુક્ત કરેલી ત્રણ ઉચ્ચ ન્યાયાધીશોની સમિતિએ વર્માના દોષિત ઠેરવ્યાં હતાં. જોકે વર્માએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યાે હતો.SS1MS