સ્પીપા દ્વારા UPSC તાલીમ વર્ગમાં પ્રવેશ માટે લેવાયેલ પરીક્ષાને મળેલ બહોળો પ્રતિભાવ

દિવ્યાંગ ઉમેદવારોનો અગાઉથી સંપર્ક કરી તેઓની જરૂરિયાત વિષે પૂછપરછ કરી દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે તેની વિશેષ કાળજી લેવાઈ
૧૦,૦૦૦ થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપેલ છે. UPSC ની પેટર્ન મુજબ પેપર–૧ અને પેપર–૨ –એમ બે પેપરની પ્રાથમિક કસોટી લેવાઈ
Ahmedabad, ગુજરાતના વધુમાં વધુ ઉમેદવારો યુપીએસસીની પરીક્ષામાં સફળ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ તથા તેના ૫ પ્રાદેશિક તાલીમ કેન્દ્રો ખાતે “યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટર” મારફત અખિલ ભારતીય સેવાઓ તથા અન્ય કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ ચલાવવામાં આવે છે.
સ્પીપા દ્વારા પ્રવેશ પરીક્ષા લઇ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે કુલ ૬૩૫ ઉમેદવારો માટે પ્રશિક્ષણવર્ગ ચલાવવામાં આવે છે.
આ પ્રશિક્ષણ વર્ગમાં યુપીએસસી પરીક્ષાના દરેક તબક્કા માટે વિનામૂલ્યે પ્રશિક્ષણ ઉપરાંત, અદ્યતન વાંચનાલય અને વિના મૂલ્યે વાઈ-ફાઈની સુવિધા આપવામાં આવે છે. તદુપરાંત, તાલીમવર્ગમાં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીને વધુમાં વધુ સાત માસ સુધી પ્રતિમાસ પ્રોત્સાહન સહાય અને યુ.પી.એસ.સી.ની પ્રિલીમ, મુખ્ય પરીક્ષા અમે ફાઈનલ પસંદગી પામનાર યુવક/યુવતીને નિયમાનુસાર દરેક તબક્કે પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.
સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)ના મહાનિદેશકશ્રી હરિત શુક્લના માર્ગદર્શન હેઠળ UPSC તાલીમ વર્ગોમાં પ્રવેશ માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે તા.૨૦/૦૭/૨૦૨૫ ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામાં આવેલ છે. જેમાં કુલ ૧૦,૦૦૦ થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપેલ છે. UPSC ની પેટર્ન મુજબ પેપર-૧ અને પેપર-૨ -એમ બે પેપરની પ્રાથમિક કસોટી લેવામાં આવેલ છે.
આ પરીક્ષામાં સ્પીપા દ્વારા પરીક્ષાલક્ષી વ્યવસ્થા ઉપરાંત પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર દિવ્યાંગ ઉમેદવારોનો અગાઉથી સંપર્ક કરી તેઓની જરૂરિયાત વિષે પૂછપરછ કરી દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે અને તેઓ પણ અન્ય ઉમેદવારોની માફક જ પ્રવેશ મેળવી તાલીમ લઇ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે માટે વિશેષ કાળજી લેવામાં આવેલ છે.
અગાઉના વર્ષોમાં સ્પીપા ખાતેથી આ તાલીમ લીધેલ ઉમેદવારોએ UPSC પરીક્ષામાં ખૂબ જ સારા પ્રમાણમાં સફળતા મેળવેલ છે. જેમાં અગાઉના વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૬, ૨૦૨૨-૨૩ માં ૨૬ અને ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ૨૬ ઉમેદવારો UPSC માં ઉતિર્ણ થયેલ છે. યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વીસીઝ પરીક્ષા ૨૦૨૪ની પ્રિલિમ પરીક્ષામાં સ્પીપાના ચાલુ બેચના અને જૂની બેચના થઈને કુલ ૨૫૯ ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરેલ.
જેમાંથી કુલ ૭૦ ઉમેદવારો ઈન્ટરવ્યુ માટે ક્વોલિફાય થયેલ અને તે પૈકી યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૪ના જાહેર થયેલ અંતિમ પરિણામમાં સ્પીપાના કુલ ૨૬ ઉમેદવારો આખરી પસંદગી પામેલ છે. સ્પીપાના હાલ પર્યન્ત અખિલ ભારતીય સેવાઓ તથા અન્ય કેન્દ્રીય સેવાઓમાં કુલ ૩૧૧ ઉમેદવારો સફળ થયેલ છે. છેલ્લા વર્ષમાં ઓલ ઇન્ડિયા રેન્ક બીજો, ચોથો અને ત્રીસમા રેન્ક પર ગુજરાતના ઉમેદવારો ઉતિર્ણ થયેલ છે, જે સ્પીપાના ઉમેદવારો છે. આથી અગાઉના વર્ષોની સફળતા જોતા ચાલુ વર્ષે સ્પીપાના UPSC પ્રશિક્ષણ વર્ગોમાં પ્રવેશ માટેની પ્રારંભિક પરીક્ષામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોએ ભાગ લીધેલ છે.
આમ, સ્પીપાના મહાનિદેશકશ્રી હરિત શુક્લના માર્ગદર્શન હેઠળ અમદાવાદ અને ગાંધીનગર ખાતે તેમજ સ્પીપાના કુલ ૪ પ્રાદેશિક તાલીમ કેન્દ્રો ખાતે યુપીએસસી સિવિલ સર્વીસીસ સ્ટડી સેન્ટર દ્વારા ચલાવવામાં આવતા પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ માટેની પ્રારંભિક પરીક્ષાનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ છે.