Western Times News

Gujarati News

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માહિતી વિભાગે કોહરન્સ, કોહેસન અને કોર્ડિનેશન સાથે જનસંપર્કનું કામ કર્યું :  કે. એલ. બચાણી

“મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી અવંતિકા સિંઘે સતત ફિલ્ડ પર રહીને તમામ અધિકારીઓ અને કર્મીઓને નેતૃત્વ પૂરું પાડ્યું હતું અને એ કપરા સમયમાં જન સંપર્કને સરળ બનાવવામાં અનન્ય ભૂમિકા ભજવી હતી.” કે. એલ. બચાણી

વિશ્વાસ, પારદર્શિતા અને ટેક્નોલોજીઃ જાહેર સંબંધોનો નવો યુગવિષયને તાજેતરમાં અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના કેસ સ્ટડીને મીડિયા મેનેજમેન્ટ સાથે સાંકળીને શ્રી કે.એલ.બાચાણી, શ્રી સંજય કચોટ, શ્રી અમિતસિંહ ચૌહાણએ પોતાના મંતવ્યો રજૂ કર્યા

Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર તેમજ અનંત નેશનલ યુનિવર્સિટીના સહયોગથી વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના ડાયરેક્ટર શ્રી કે.એલ.બચાણી, માહિતી ખાતાના સંયુક્ત માહિતી નિયામક (વહીવટી) શ્રી સંજય કચોટ, સહાયક માહિતી નિયામક શ્રી અમિતસિંહ ચૌહાણ દ્વારા ‘ વિશ્વાસ, પારદર્શિતા અને ટેકનોલોજીઃ જાહેર સંબંધોનો નવો યુગ’ વિષય પર પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં.

માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીએ જણાવ્યું કે, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માહિતી વિભાગે કોહરન્સ, કોહેસન અને કોર્ડિનેશન સાથે જનસંપર્કનું કામ કર્યું.  આ એક અભૂતપૂર્વ ઘટના હતી અને તેમાં માહિતી વિભાગે ક્રાઇસીસ કમ્યૂનિકેશનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. PRSI અમદાવાદ ચેપ્ટર સંસ્થાએ પબ્લિક રિલેશન દિવસની ઉજવણી નિમિત્તે જનસંપર્કના આ પ્રસંગ પર વાર્તાલાપ કરવાનું આયોજન કર્યું છે, તે સરાહનીય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

માહિતી નિયામકશ્રીએ ક્રાઇસીસ કમ્યૂનિકેશનના આ સમગ્ર પ્રકરણની સફળતાનો શ્રેય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા અપાતા સતત માર્ગદર્શનને આપ્યો હતો.

તેમણે એમ પણ કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી અવંતિકા સિંઘે સતત ફિલ્ડ પર રહીને તમામ અધિકારીઓ અને કર્મીઓને નેતૃત્વ પૂરું પાડ્યું હતું અને એ કપરા સમયમાં જન સંપર્કને સરળ બનાવવામાં અનન્ય ભૂમિકા ભજવી હતી.

આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે પબ્લિક રિલેશનના વર્તમાન લેન્ડસ્કેપને જોતા ટ્રસ્ટ, ટ્રાન્સ્પરન્સી અને ટેક્નોલોજી ખૂબ આવશ્યક અને પ્રાસંગિક છે. બદલાતી ટેક્નોલોજી નવા પડકારો આપ્યા છે તો સાથે ટ્રસ્ટ અને ટ્રાન્સ્પરન્સી બરકરાર રાખવાની નવી તકો પણ સર્જી છે.

માહિતી નિયામકશ્રીએ PRSI સંસ્થાના ભવ્ય ભૂતકાળ અને વર્તમાન કામગીરીનો ઉલ્લેખ કરીને તેમને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે માહિતી ખાતાના સંયુક્ત માહિતી નિયામક (વહીવટી) શ્રી સંજય કચોટે જણાવ્યું હતું કે, “હું ૨૦૧૯થી માહિતી અને પ્રસારણ વિભાગ સાથે જોડાયો ત્યારથી અનેક એવી ઘટના અને દુર્ઘટનાનો સાક્ષી બન્યો છે, જેમાંથી મને ઘણું શીખવા મળ્યું છે. જ્યારે તમે સરકાર સાથે સંકળાયેલા હોવ છો અને કોઈક માહિતી મીડિયાને કે પબ્લિકને આપવાની હોય ત્યારે એ ખૂબ વિશ્વાસનીયતા અને પારદર્શિતા સાથે આપવાની થાય છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ૧૨ જૂને અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના અમારા સૌ માટે એક મોટો પડકાર હતો.  આ ઘટના બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી અવંતીકા સિંઘના નેતૃત્વમાં મીડિયા મેનેજમેન્ટ માટે એક નિર્ણય લેવાયો કે કોઈ ડેડ બોડીના વિચલિત કરનારા ફૂટેજ મીડિયામાં ન ચલાવાય, એવી વિનંતી કરવી. આ બાબતે અમે તાત્કાલિક સૌ પ્રથમ અમે અમારા વિભાગને ત્યાર બાદ તમામ મીડિયાના મિત્રો તેમજ એડિટર સાથે ટેલિફોનિક સંપર્ક કરીને આવા ફૂટેજ ટેલિકાસ્ટ ન કરવાની વિનંતી કરી હતી.

આ સંદર્ભમાં શ્રી સંજય કચોટે વધુમાં જણાવ્યું કે, આ ઘટના બાદ સૌથી મોટો પડકાર મીડિયા મેનેજમેન્ટ હતો કેમ કે આ ઘટના બાદ નેશનલ, ઇન્ટરનેશનલ તેમજ સ્થાનિક મીડિયા સૌ કોઈને વિશ્વસનીય માહિતી આપવાની હતી. અમારા વિભાગે આ ઘટના સાથે સંકળાયેલા તમામ વિભાગો સાથે સંકલન કરીને વિશ્વસનીય માહિતી મીડિયા સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું.

આ પ્રસંગે સહાયક માહિતી નિયામક શ્રી અમિતસિંહ ચૌહાણે AI 171 પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે સિવિલ હોસ્પિટલની કામગીરી અને મીડિયા માટેની વ્યવસ્થા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે આ સમગ્ર દુર્ઘટનામાં રાજ્ય સરકારના માહિતી વિભાગે કરેલા મીડિયા મેનેજમેન્ટનો ચિતાર આપ્યો હતો અને તે સમયના અનેક પ્રસંગો વર્ણવ્યા હતા.

આ ઉપરાંત આ કટોકટી સમયે દરેક વિભાગના સંકલનમાં રહી માહિતી એકત્રિત કરી અને માહિતીનું આદાન પ્રદાન કરવા સુધીની સફર વિશે પણ વાકેફ કર્યા હતા. વધુમાં શ્રી ચૌહાણે આ પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા કેવી રીતે સમગ્ર સુચારૂ વ્યવસ્થા કરી હતી તેમજ વર્ગ -૩ અને વર્ગ-૪ના કર્મચારીઓએ કેવી ઉમદા સેવાઓ આપી હતી, તેના પર પણ પ્રકાશ પાડ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના સહાયક જનસંપર્ક અધિકારી શ્રી વિવેક ત્રિવેદી, અમદાવાદના નાયબ માહિતી નિયામક શ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય, માહિતી વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓ, PRSI અમદાવાદ ચેપ્ટરના સૌ મેમ્બર્સ તેમજ જર્નાલિઝમ કોલેજના સ્ટુડન્ટ તેમજ મીડિયા સાથે સંકળાયેલા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.