ગુજરાત મેરિટાઈમ યુનિ.નો પ્રથમ પદવીદાન સમારોહ સંપન્ન-13 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 250ને ડિગ્રી એનાયત થઈ

મેરિટાઈમ સેક્ટરમાં અપાર અવસરો છે અને ભારત મેરિટાઈમ સેક્ટરમાં ખૂબ ઝડપથી અગ્રણી ટેલેન્ટપૂલ સપ્લાયર બનવા તરફ આગળ વધ્યું છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મેરિટાઈમ સેક્ટરમાં કારકિર્દી શરૂ કરતા યુવાઓને રાષ્ટ્ર હિત સાથે આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણ માટે કર્તવ્યરત રહેવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન
મેરિટાઈમ સેક્ટરમાં કારકિર્દી શરૂ કરનારા યુવાઓ રાષ્ટ્રહિત અને આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણના વિચાર સાથે કર્તવ્યરત રહે તેવું પ્રેરક આહવાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે.
ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહના દિક્ષાંત પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, આજે મેરિટાઈમ સેક્ટરમાં અપાર અવસરો છે અને આ સેક્ટર માટે ભારત ખૂબ ઝડપથી અગ્રણી ટેલેન્ટ પૂલ સપ્લાયર બની રહ્યું છે.
એટલું જ નહિ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશાગ્ર નેતૃત્વને કારણે વિશ્વની અપેક્ષાઓ પણ ભારત પાસેથી વધી ગઈ છે ત્યારે દેશના મેરિટાઈમ સેક્ટરને નવી ઊંચાઈઓ સર કરાવવાનું દાયિત્વ આ સેક્ટરમાં પદાર્પણ કરી રહેલી યુવા શક્તિએ નિભાવવાનું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને પોર્ટ લેડ ડેવલપમેન્ટનું કેન્દ્ર બનાવવા સાથે પોર્ટ અને મેરિટાઈમ વિરાસતને આધુનિક જ્ઞાન કૌશલ્યથી સંવર્ધિત કરીને આ સેક્ટરમાં વર્લ્ડ ક્લાસ ટ્રેઈન્ડ વર્કફોર્સ ઉપલબ્ધ કરાવવા ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીની શરૂઆત કરાવી હતી. આ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં એલ.એલ.એમ. વિદ્યાશાખાના 188 અને એમ.બી.એ.ના 62 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ વિદ્યાશાખાઓમાં ઉત્કૃષ્ટતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 8 વિદ્યાર્થીનીઓ સહિત કુલ 13 છાત્રોને ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાત પાસે 4 હજારથી વધુ વર્ષ જૂના પુરાતન ઇતિહાસ અને સમુદ્રી વિરાસત ધરાવતું લોથલ બંદર છે. વડાપ્રધાનશ્રીએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્રને ચરિતાર્થ કરતા લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કાર્યરત કરાવ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના 11 વર્ષના સફળ કાર્યકાળમાં ભારત સમુદ્રી અર્થવ્યવસ્થાના પુનરુદ્ધારનું સાક્ષી રહ્યું છે.
વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા પી.એમ. ગતિશક્તિ, સાગરમાલા અને બ્લુ ઇકોનોમી મિશન જેવા કાર્યક્રમો દેશના પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને કોસ્ટલ ઇકોનોમીની વાસ્તવિક ક્ષમતાને ઉજાગર કરે છે. મુખ્યમંત્રીશ્રી આ ક્ષમતાને વિશ્વ ફલક પર ઝડપભેર પહોંચાડવાના સંવાહક બનવાની પ્રેરણા ડિગ્રી પ્રાપ્ત કરી રહેલા યુવાનોને આપી હતી.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આઝાદીની શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે અને આ અમૃતકાળની અમૃત પેઢી તરીકે યુવાઓએ વિકસિત ભારત@2047ના ભાગ્યવિધાતા બનવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ ડિગ્રીધારક યુવાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી હતી.
રાજ્યના મુખ્ય સચિવ અને ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પંકજ જોષીએ સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ ઇનોવેશન્સ, કોલોબ્રેશન અને એક્સેલન્સથી નવા સીમાચિહ્નો સર કર્યાં છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણીની સાથે સાથે આપણે મેરિટાઈમ સેક્ટર્સમાં લીડ લઈ શકે તેવી નવી પેઢી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. આ પેઢી વૈશ્વિક મંચ પર ભારતના ભવિષ્યનો માર્ગ નક્કી કરશે. આજે ડિગ્રી મેળવી રહેલા વિદ્યાર્થીઓ ભારતની મેરિટાઈમ સ્કીલનું ભવિષ્ય છે.
ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીએ યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, ઈન્ટરનેશનલ ગૃપ ઓફ પ્રોટેક્શન એન્ડ ઈડેમ્નિટી ક્લબ્સ, ઈન્ટરનેશનલ સી ફેરર્સ વેલ્ફેર એન્ડ આસિસ્ટન્સ નેટવર્ક, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર સહિતના વિશ્વવિખ્યાત સંગઠનો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓની રૂપરેખા આપતા કહ્યું હતું કે, યુનિવર્સિટીએ તાજેતરમાં જે મહત્વપૂર્ણ કોન્ફરન્સીસ સફળતાપૂર્વક યોજી હતી તેની અને યુનિવર્સિટીએ 20થી વધુ એમ.ઓ.યુ. કર્યાં છે તેની પણ તેમણે વિગતો આપી હતી. તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં પર્યાપ્ત માત્રામાં ટ્રેઈનીંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા 100થી વધુ રિસર્ચ પેપર્સ પ્રતિષ્ઠિત જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. આ ઉપરાંત જી.એમ.યુ.ને સ્ટાર એવોર્ડ્સ 2024 દ્વારા ભારતમાં ‘મેરિટાઈમ કેપેસિટી બિલ્ડીંગ ચેમ્પિયન’ તરીકે માન્યતા મળવા બદલ સન્માનિત કરવામાં આવી છે.
ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડીન પ્રો. ડૉ. એસ. શાંતાકુમારે સ્વાગત પ્રવચન તેમજ સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.ચિરાગ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ જયંતિ રવી, પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ્ના અગ્ર સચિવ શ્રી આર.સી.મીના, ગુજરાત મેરીટાઈમ બોર્ડના સી.ઈ.ઓ. રાજકુમાર બેનિવાલ, યુનિવર્સિટીની વિદ્યાશાખાઓના ડીન અને અધ્યાપકો, આમંત્રિત શિક્ષણવિદો તથા પદવીધારક યુવા વિદ્યાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.