હિમાચલના ચંબામાં ફરી આભ ફાટ્યું, મકાન ધરાશાયી થતાં બે લોકોના મોત

(એજન્સી)ચંબા, હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રવિવાર (૨૦મી જુલાઈ) રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદ બાદ આભ ફાટવાની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે.
ચંબાના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવા અને ભૂસ્ખલનને કારણે કુલ ૩૯ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ ઉપરાંત પાવર ટ્રાન્સફોર્મર બંધ કરાતા ઘણાં વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અહેવાલો અનુસાર, ચંબામાં ભારે વરસાદને કારણે અનેક ઘરોને નુકસાન થયું છે, જેમાં એક કાચું ઘર ધરાશાયી થયું છે અને બે પાકા ઘરોને આંશિક નુકસાન થયું છે. સૌથી દુઃખદ ઘટના મૈહલા વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં ભૂસ્ખલનને કારણે એક ઘર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં એક પુરુષ અને એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે.
બંને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ચંબા મોકલવામાં આવ્યા છે. જંગરા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે મકાઈના પાકને નુકસાન થયું છે. નોંધનીય છે કે, તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ છે. વરસાદને કારણે ૬૨ પીવાના પાણીની યોજનાઓ પ્રભાવિત થઈ છે, જેના કારણે હજારો લોકો પીવાના પાણીની તંગી સર્જાઈ છે.