Western Times News

Gujarati News

શું ગુજરાતની ક્લબોમાં રાત્રીના સમયે હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલો ચાલી રહી છે?

સાણંદના રિસોર્ટમાં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ -સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં પીધેલી હાલતમાં પકડાયાઃ ૧૩ યુવકો અને ૨૬ યુવતીઓનો સમાવેશ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સાણંદમાં સૌથી મોટી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. નાની દેવતી ગામે ગ્લેડ વન રિસોર્ટમાં ચાલતી દારૂની મહેફિલમાં ૨૬ યુવતીઓ સહિત ૩૯ લોકો દારૂ પીતા પકડાયા છે. યુવતીઓને નોટિસ આપી છોડી મૂકવામાં આવી છે. તો ૧૩ યુવકોની સાણંદ પોલીસે અટકાયત કરી છે. દારૂની બોટલો, હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સાણંદમાંથી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. જેમાં બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્લેડ વન ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં ચાલતી બર્થડે પાર્ટીમાં દરોડા પાડ્યા. રેડમાં સાણંદ પોલીસ સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ પણ સામેલ હતા.

બર્થ ડે પાર્ટીનો આયોજક પ્રતિક સાંધી અમદાવાદનો હોવાની માહિતી સામે આવી છે. જે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. દારૂ પિધેલા તમામની વધુ તપાસ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. અને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સાણંદમાં ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટમાં શરાબની મહેફિલ પર પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. બર્થડે પાર્ટીમાં ૭૦-૮૦ લોકો અને દારૂ હોવાની માહિતી મળી હતી. જેથી સાણંદ પોલીસે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ અને ૨ પંચોની મદદથી રેડ પાડી હતી. સમગ્ર પાર્ટીનો આયોજક પ્રતીક સાંઘી અમદાવાદનો હોવાનું સામે આવ્યું હતું.

બ્રેથ એનાલાઈઝરથી તપાસમાં ૧૩ પુરુષો અને ૨૬ મહિલાઓ શંકાસ્પદ નશીલી હાલતમાં મળ્યા હતા. મેડિકલ બ્લડ સેમ્પલ માટે વધુ તપાસ શરૂ કરાઈ છે. તો ૫ સીલબંધ દારૂની બોટલો જપ્ત કરાયો છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ કાયદેસર કાર્યવાહી ચાલુ છે. રેડ દરમિયાન પોલીસને ૨૦ ખાલી બોટલ, ૫ ભરેલી બોટલ, ૨-૩ અડધી બોટલ મળી આવી છે.

બેથી ત્રણ હુક્કા મળી આવ્યા છે. પોલીસ તપાસ માટે ૩૯ લોકોને સીએચસી મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા છે. પ્રતીક સાંઘી મેફેર એપાર્ટમેન્ટ, શિવરંજની ચાર રસ્તા ખાતે રહે છે. દારૂની મહેફિલ માણતા મોટાભાગના લોકો ૩૫ થી ૪૦ વર્ષના હોવાનુ ખૂલ્યુ છે. પ્રતીક સાંઘી પણ બ્રેથ એનલાઇઝરમાં પોઝિટિવ આવ્યા છે. તેથી તેઓએ પણ દારૂ પીધો હોવાનું ખૂલ્યું છે.

ગ્લેડ રિસોર્ટમાંથી સૌથી મોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે. આ ઉપરાંત રવિવારે સાણંદમાં કલહાર બ્લૂ એન્ડ ગ્રીન વિલામાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી. ૩૫૮ નંબરના બંગલામાંથી પોલીસે રેડ દરમિયાન ૧૨ લોકોની ધરપકડ કરી હતી. વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.