હાટકેશ્વર બ્રીજ અને વી.એસ. હોસ્પિટલ મામલે મ્યુનિ. બોર્ડમાં શાસકો ભીંસમાં મુકાયા

બંને મિલકતો તોડી પાડયા બાદ નવી તૈયાર થશે કે કેમ તે મુદ્દે સત્તાધારી પાર્ટીનું સૂચક મૌન
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની વાર્ષિક સામાન્ય સભામાં ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન હાટકેશ્વર બ્રીજ અને વી.એસ. હોસ્પિટલ મામલે શાસકો ભીંસમાં મુકાયા હતાં તથા વિપક્ષ તરફથી પુછવામાં આવેલા પ્રશ્નના જવાબ શાસકો કે કમિશનર આપી શક્યા ન હતાં.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના શહેઝાદખાન પઠાણે ઝીરો અવર્સ દરમિયાન વી.એસ. હોસ્પિટલના તોડી પાડવામાં આવેલ બિલ્ડીંગના ફોટોગ્રાફ રજુ કરી અધ્યક્ષસ્થાને બિરાજમાન મેયરને સીધો પ્રશ્ન કર્યો હતો કે શું તોડી પાડવામાં આવેલ બિલ્ડીંગના સ્થાને નવી હોસ્પિટલ તૈયાર થશે કે કેમ ? મેયર કે જેઓ વી.એસ.બોર્ડના પણ અધ્યક્ષ છે તેઓ આ બાબતે કોઈ જ જવાબ આપી શક્યા ન હતાં.
જયારે સ્ટેન્ડિગ કમિટી ચેરમેને બચાવ કરતા જણાવ્યું હતું કે હાઈકોર્ટના ઓર્ડર મુજબ વી.એસ.માં ઓપીડી અને પ૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ રહેશે તેમજ ભવિષ્યમાં આ જગ્યાનો શું ઉપયોગ કરવો તે નકકી કરવામાં આવશે. તેથી એ બાબત નિશ્ચિત થાય છે કે વી.એસ.ના બિલ્ડીંગ તોડી પાડવા મામલે શાસકો કુંડલીમાં ગોળ ભાંગી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના જર્જરિત બિલ્ડીંગ તોડવામાં આવી રહયા છે. વી.એસ. બોર્ડમાં થયેલ ઠરાવ મુજબ હયાત બિલ્ડીંગ તોડી તેને રિનોવેશન કરવા માટે હાઈકોર્ટમાં સીએ દાખલ કરવાની થાય છે તેમજ ટ્રસ્ટીઓ સાથે પણ મીટીંગ કરી તેમની સંમતી લેવાની થતી હતી પરંતુ આ બંને બાબતોને અવગણીને બિલ્ડીંગો તોડી પાડવામાં આવ્યા છે.
શહેરના વિવાદિત હાટકેશ્વરબ્રીજને તોડી પાડવા માટે થોડા દિવસ પહેલા ઠરાવ કરવામાં આવ્યો હતો આ મામલે આકરા ચાબખા મારતા વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે ગંભીરા પુલની દુર્ઘટનાથી નાગરિકોનું ધ્યાન અન્યત્ર લઈ જવા માટે તાત્કાલિક હાટકેશ્વર બ્રીજનો ઠરાવ કરવામાં આવ્યો હતો અન્યથા એક હજાર દિવસ સુધી તે તરફ કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.
અહીં પણ તેમણે ફરીથી એજ પ્રશ્ન કર્યો હતો કે શું હાટકેશ્વરબ્રીજ તોડ્યા બાદ નવો બ્રીજ બનાવવામાં આવશે કે કેમ ? આ મામલે પણ સત્તાધારી પાર્ટીમાં સન્નાટો વ્યાપી ગયો હતો અને કોઈ જ જવાબ આપવામાં આવ્યો ન હતો. ફરી એક વખત સ્ટેન્ડિગ કમિટી ચેરમેન બચાવ માટે ઉભા થયા હતાં
પરંતુ તેમનો પ્રત્યુત્તર પણ સ્પષ્ટ ન હોવાથી વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે એ બાબત સ્પષ્ટ થઈ રહી છે કે હાટકેશ્વરબ્રીજ તોડ્યા બાદ નવો બ્રીજ બનાવવામાં આવશે નહી તેથી અગાઉના બ્રીજ માટે રૂ.૪ર કરોડનો ખર્ચ થયો હતો તે એળે ગયો છે તે એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે.