Western Times News

Gujarati News

મેળામાં પાણી પીધા બાદ 13 વર્ષનો વિદ્યાર્થી અચાનક ઢળી પડ્‌યો અને મૃત્યુ પામ્યો

AI Image

રાજકોટમાં ૧૩ વર્ષના વિદ્યાર્થી અને યુવકનું હાર્ટએટેકથી મોત-સુરતમાં ૨૯ વર્ષીય યુવતીએ ગુમાવ્યો જીવ

(એજન્સી)રાજકોટ, ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનો અને બાળકોમાં પણ હાર્ટ એટેકના બનાવો વધતા આરોગ્ય તંત્ર અને નાગરિકોમાં દહેશત વ્યાપી છે. રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત થયાની આશંકા સેવાઈ રહી છે, જ્યારે સુરતમાં પણ એક યુવતીનું બેભાન થઈ જતાં મોત નીપજ્યું હતું. Rajkot student attack after drinking cold drink

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં ધોરણ ૭ માં અભ્યાસ કરતો ૧૩ વર્ષીય ભાવેશ બાંભવા નામનો વિદ્યાર્થી અટલ સરોવર ખાતે મેળામાં ગયો હતો. મેળામાં પાણી પીધા બાદ તે અચાનક ઢળી પડ્‌યો હતો.

તેને હાર્ટ એટેકે આવ્યો હોવાની આશંકાએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. અને તેનું મોત આંચકી આવ્યા બાદ થયું હોવાની માહિતી આપવામાં આવી હતી. આ ઘટનાથી પરિવાર અને શાળામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત, રાજકોટમાં જ વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. રવિવારે સવારે એક ૨૦ વર્ષીય યુવાન લઘુશંકા કરવા સમયે અચાનક ઢળી પડતાં માથાના ભાગે ઇજા પહોંચી હતી. યુવરાજસિંહ શિરપાલ યાદવ (ઉં.વ.૨૦) ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બંને કિસ્સાઓમાં હાર્ટ એટેકથી મોત થયાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, સુરતના કતારગામ વિસ્તારમાં પણ હૃદય દ્રાવક ઘટના બની હતી. અહીં એક યુવતી મીનલબેન (૨૯ વર્ષ) ઘરમાં બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ મીનલબેનને મૃત જાહેર કરી હતી અને હાર્ટ એટેકનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.રાજ્યમાં અચાનક થતા મોતના આવા બનાવો ચિંતાનો વિષય બન્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.