કેન્દ્ર સરકારની સંસ્થા CSIRના સુચનોને ઘોળીને પી જતાં અમદાવાદના મ્યુનિ. અધિકારીઓ

-
છેલ્લા દસ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાએ બનાવેલા મોટાભાગના ફ્લાયઓવર, રેલ્વે ઓવરબ્રિજ અને અંડરપાસ સમયમર્યાદા પૂરું નાના કરતા વિલંબભર્યા અને વિવાદિત પુરવાર થયા છે.
-
કામ શરૂ થયા પછી ડિઝાઇનમાં વારંવાર ફેરફાર થવાથી ખર્ચમાં ભારે વધારો અને કામમાં વિલંબ નોંધાયો છે.
-
ઘણા પ્રોજેક્ટોમાં મંજૂર થયેલા ડિઝાઇન કરતાં અલગ સંરચના અપનાવાતા ખર્ચ વધ્યો છે, જેમ કે ઇન્કમટેક્સ જંકશન ફ્લાયઓવર માટે સ્પેશિયલ ડિઝાઇન અને સ્ટીલ સ્ટ્રક્ચરને કારણે ૧૦ કરોડ ખર્ચ વધ્યો હતો.
-
રાણીપ GST ફ્લાયઓવરના કામમાં રેલ્વે અને જમીનની વિનિમય વ્યવસ્થા તથા મંજૂરીના વિલંબથી ૨૪ મહિનાની બદલે ૫ વર્ષ લાગ્યા હતાં; એવી જ રીતે શહેરના ઘણા બ્રિજ-અંડરપાસની કામગીરીમાં વિલંબ નોંધાયો છે.
-
હાટકેશ્વર ફ્લાયઓવરની જર્જરીત હાલત, કાર્યક્ષમ નિતીઓની અછત અને જવાબદારીના પ્રશ્નો સામે આવતા હાલમાં તેનો ડિમોલિશન શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, પણ નવા બ્રિજ અંગે સ્પષ્ટતા નથી.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને ઔડા દ્વારા છેલ્લાં એક દાયકામાં બનાવવામાં આવેલા ફ્લાયઓવર બ્રિજ કે રેલવે ઓવર બ્રિજ કે અંડરપાસની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવી નથી. મોટાભાગના કિસ્સામાં ફ્લાયઓવર, રેલવે ઓવર બ્રિજ કે પછી અંડરપાસના કામ શરુ કરવામાં આવ્યા પછી તેની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે છે જેના કારણે ખર્ચમાં અધધ વધારો થાય છે.
આ સિવાય ડિઝાઇનમાં ફેરફારના કારણે કામમાં પણ વિલંબ થાય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને ઔડા દ્વારા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં બાંધકામ કરવામાં આવેલા જુદા જુદા ૧૦ ફલાયઓવર, રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસમાં જુદા જુદા વિવાદો સામે આવી ચૂક્યાં છે. જેના કારણે ખર્ચમાં વધારો થયો છે.આ મુદ્દે કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કોંગ્રેસ નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ CSIRના રિપોર્ટમાં ફર્સ્ટ પ્રાયોરીટીમાં સામેલ ઇન્કમટેક્સ જંકશન ઉપર ફોર લેન ફ્લાયઓવર સૂચવાયો હતો પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ૧૬.૫૦ મીટરની ફોન લેનને ૨૦.૫૦ મીટર પહોળાઇનો ફાઇવ લેન ફ્લાયઓવરનું બાંધકામ કરી દીધું હતું. આ બ્રિજનો રુ. ૫૯.૫૯ કરોડનો અંદાજિત ખર્ચ હતો જેની સામે છે. ૬૫.૫૧ કરોડમાં કામ પૂર્ણ થયુ હતુ. આ બ્રિજની નીચેના ભાગમાં ગાંધીજીની પ્રતિમા હતી. જેથી પ્રતિમાને હટાવવી ન પડે તે માટે સ્પે. ડિઝાઇન કરી હતી જેમાં પ્રતિમાની ઉપર સ્ટીલ સ્ટ્રકચરનો પોર્સનના કારણે છે. ૧૦ કરોડનો ખર્ચ વધી ગયો હતો.
2013માં રાણીપ જીએસટી ફાટક ઉપર ફ્લાયઓવર બનાવવાની કામગીરી 5 વર્ષે પૂર્ણ થઈ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૩માં શહેરના રાણીપ જીએસટી ફાટક ઉપર ફ્લાયઓવર બનાવવાની કામગીરી શરુ કરી હતી પણ રેલવેની મંજુરી ન મળતાં એક વર્ષ તો કામ શરુ જ થયું ન હતુ પછી વર્ષ ૨૦૧૪માં ફ્લાયઓવરની કામગીરી શરુ કરી હતી.
આ ફ્લાયઓવર ૨૪ મહિનાની મુદત એટલે કે, બે વર્ષમાં પૂર્ણ કરવાનો હતો પણ ફ્લાયઓવર બનતાં ૫ વર્ષનો સમય લાગ્યો હતો. બ્રિજની ડિઝાઇન મુજબ, ફ્લાયઓવરનો છેડો રેલવેની ૫,૦૦૦ ચો.મી. જમીનમાં ઉતરતો હતો જેથી રેલવે બે વર્ષ સુધી આ જમીન આપી ન હતી પછી રેલવેને જમીનના બદલામાં જમીન આપવાનું નક્કી કરાયું હતુ, જેમાં રેલવેને રુ. ૫૦ કરોડની જમીન આપવી પડી હતી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના અજિત મિલ જંકશન ઉપર ફ્લાયઓવર બનાવવાનું નક્કી કરાયું હતુ પછી રુ. ૪૧ કરોડનો ફ્લાયઓવર બનાવવાનો હતો જેનું ટેન્ડર રુ.૫૦.૩૦ કરોડનું મંજુર કરવામાં આવ્યું હતું. આ ફ્લાયઓવર ડિસેમ્બર ૨૦૨૧માં લોકાર્પણ કરવામાં આવ્યું હતુ જોકે, આ ફ્લાયઓવરના કામમાં પણ એક વર્ષથી વધુનો વિલંબ થયો હતો.
કારણ એવું હતુ કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ અને કન્સલટન્ટ દ્વારા ફ્લાયઓવરની ડિઝાઇન મંજુર કરી હતી પાછળથી કામ શરુ કર્યું પછી ખબર પડી હતી કે, નીચેથી પાણીની મેઇન ટ્રેક લાઇન પસાર થાય છે જેથી આ ફ્લાયઓવરની કામગીરી રોકવી પડી હતી. ડિઝાઇનમાં ફેરફાર કરવો પડ્યો હતો જેના કારણે આ ફ્લાયઓવરની કામગીરીમાં વિલંબ થયો હતો અને ખર્ચમાં પણ વધારો થઇ ગયો હતો.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નારણપુરા પલ્લવ ચાર રસ્તા ફ્લાયઓવર બ્રિજના બાંધકામ માટે રુ. ૬૪ કરોડનો અંદાજિત ખર્ચ મંજુર કરાયો હતો. જોકે, ૩૪.૫૦ ટકા ઊંચા ભાવે રુ.૧૦૪.૧૬ કરોડનું ટેન્ડર મંજુર કરાયું હતુ. આ ફ્લાયઓવર બનાવવાનું ૨૦૧૭માં નક્કી કરાયું હતુ પણ તે વખતે હાઇટેન્શન લાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી કરાઇ હતી.
જેની પાછળ અંદાજે રુ. ૧૮ કરોડનો ખર્ચ થયો હતો. ઝ્રજીંઇના રિપોર્ટમાં નારણપુરા પલ્લવ જંકશન ઉપર ફ્લાયઓવર બનાવવાનું સુચિત કરાયું ન હતુ. અહીં અંડરપાસ બનાવવાનો હતો પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફ્લાયઓવર બાંધકામ કરી દેવાયો હતો. બે વર્ષના વિલંબથી મે ૨૦૨૫માં આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરાયું હતુ.
અમદાવાદ શહેરના પાંજરાપોળ જંકશન ઉપર ફ્લાયઓવરનું ડાયરેક્શન બદલવા અંગે પણ વિવાદ થયો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં કેન્દ્ર સરકારની CRRI-CSIR સંસ્થા પાસે કરાવેલા રિપોર્ટમાં નવરંગપુરા પાજરાપોળ જંકશન ઉપર વિજય ચાર રસ્તાથી ગુજરાત યુનિ. થઇ નહેરુનગર રોડ તરફ જતાં ૧૨૦ ફુટની પહોળાઇના રોડ ઉપર બે-બે લેનના સ્પ્લીટ ફ્લાયઓવર મળી કુલ ચાર લેનનો સ્પ્લીટ ફ્લાયઓવર બનાવવાનું સુચન કરાયું હતુ
જોકે, પાછળથી તંત્ર દ્વારા IIT RAM પાસે નવો રિપોર્ટ કરાવીને પાંજરાપોળ જંકશન ઉપર સરકારી પોલીટેકનીક કોલેજથી આઇઆઇએમ તરફ જતાં માર્ગ ઉપર ફ્લાયઓવર બનાવવાનું નક્કી કરાયું હતુ. આ ટેન્ડર મંજુર કરીને કામ શરુ કરાયું હતું
તા.૪ માર્ચ ૨૦૨૪ના દિવસે પાલડીના જલારામ અંડરપાસનું લોકાર્પણ કરાયુ હતુ પણ લોકાર્પણ કરાયાના ગણતરીના કલાકોમાં આ અંડરપાસને પબ્લીક માટે બંધ કરી દેવાયો હતો. આ જલારામ અંડરપાસનું કામ અધુરું હોવા છતાં લોકાર્પણ કરી દેવાયું હતુ. અંડરપાસના એક તરફના રોડમાં ટાવર હટાવવાની કામગીરી કરવાની બાકી હતી. જલારામ અંડરપાસના બાંધકામમાં રુ.૮૩ કરોડનો ખર્ચ કરાયો હતો.
આ અંડરપાસ પહેલાં રુ.૪૫ કરોડમાં બાંધકામ કરવાનો હતો પણ યુટિલીટી ખસેડવા અને મ્યુનરલ પાછળના કામમાં ખર્ચમાં વધારો થઇ ગયો હતો..અમદાવાદનો સૌથી વિવાદિત હાટકેશ્વર ફ્લાય ઓવરબ્રિજ આશરે ૧૦૦૦ થી વધુ દિવસ થી જર્જરીત હાલતમાં છે. પરંતુ હાલમાં વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા હાટકેશ્વર બ્રિજ ને તોડી પાડવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શું કોર્પોરેશનના અધિકારીઓ છેલ્લા ૧૦૦૦ દિવસથી કુંભકરણની નિદ્રામાં હતા? હાટકેશ્વર બ્રિજને ડિમોલેશન કર્યા પછી ફરીથી નવું બ્રિજ બનાવવામાં આવશે કે નહીં તેની કોઈ માહિતી કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આપવામાં આવી નથી.