ગુજરાતની જનતા મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે: અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અંબાજી મંદિરે પ૧ ગજની ધજા ચડાવી
અંબાજી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે અંબાજી મંદિરે ભક્તિભાવ સાથે વરસતા વરસાદમાં પદયાત્રા કરી પ૧ ગજની મંદિર શિખર ઉપર ધજા ચડાવી પોતાના કાર્યકાળનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ તેઓએ ડેરી, મનરેગા, જમીન સંપાદન, ભ્રષ્ટાચાર, મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના કાર્યકાળનો શુભારંભ અંબાજી શક્તિપીઠના દર્શન કરી પ૧ ગજની ધજા ચડાવી કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખે ભાજપ અને સરકારને ઘેરતા જણાવ્યું હતું કે ભાજપના મળતિયાઓ મલાઈ ખાઈ રહ્યા છે. ગુજરાતમાં જે દૂધ મંડળીઓ અને ડેરીઓ છે એમાં જો ભ્રષ્ટાચાર સૌથી વધારે હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં છે.
પશુપાલકોના દૂધના રૂપિયામાંથી ભ્રષ્ટાચાર થાય છે, ઉત્સવો અને તાયફા થાય છે. ગુજરાત પરિવર્તન માંગે છે. આ ભાજપનું શાસન એ ‘નવા અંગ્રેજોનું શાસન છે’ ભાજપના રાજમાં ભ્રષ્ટાચારને લઈને બ્રિજ તૂટી રહ્યા છે અને નિર્દોષ લોકોની જાન જઈ રહી છે. માસૂમ દીકરીઓ, વિદ્યાર્થીઓ સહિત વેપારીઓ તમામ લોકો હેરાન થઈ રહ્યા છે.
આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિલ્લા ભાજપ પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે કોઈપણ પ્રોજેકટ બનવા પહેલા ભાજપના મળતિયાઓને ખબર હોય છે. અહીંથી રોડ નીકળવાનો છે, ત્યારે તે ખેડૂતોની જમીન સસ્તા ભાવે ખરીદી લે છે. જમીન સંપાદનમાં ફકત બનાસકાંઠામાં રૂ.પ૦૦ કરોડનું કૌભાંડ બહાર આવે તેમ છે.