મહિયો નદીનો બ્રિજ અવરજવર માટે બંધ, વૈકલ્પિક માર્ગ અપનાવવાની અપીલ તંત્રએ કરી

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા તાલુકાના કાંકણપુરથી રામપુરા અને ટુવા તરફ જતા મુખ્ય માર્ઞ મહિયો નદી પર આવેલો બ્રિજ હવે સંપૂર્ણપણે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જાહેરનામું જાહેર કરીને સ્થાનિકો તેમજ મુસાફરોને આ અંગે સૂચના આપવામાં આવી છે અને વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
વિશેષ માહિતી અનુસાર, વર્ષોથી બ્રિજ જર્જરિત સ્થિતિમાં હોવા છતાં તેનો ઉપાય ન થતા સ્થાનિક ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં થયેલી ગંભીર બ્રિજ દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખી, રાજ્યભરમાં જુના અને જોખમજનક બ્રિજોની સમીક્ષા કરીને તે બંધ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત આ બ્રિજ પણ બંધ કરાયો છે.
બ્રિજ બંધ થતાં ભારે અસુવિધા સર્જાઈ છે. ખાસ કરીને કાંકણપુરના આરોગ્ય કેન્દ્ર તરફ જતા દર્દીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, તેમજ રોજિંદી નોકરી-ધંધા માટે અવરજવર કરતા લોકો હવે લાંબો ફાળો ભોગવીને વૈકલ્પિક માર્ગ દ્વારા મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
તંત્ર દ્વારા સુચિત વૈકલ્પિક માર્ગ મુજબ કાંકણપુરથી ટીંબાની મુવાડી અને વિંઝોલવાળા માર્ગનો ઉપયોગ કરવો રહેશે. રસ્તાની અવરોધરહિત અવરજવર માટે માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજના નવીનિકરણ બાદ પુનઃ ખુલ્લો મુકવામાં આવશે તેવી શકયતા છે.