Western Times News

Gujarati News

ટ્રમ્પ સરકારની એચ-૧બી વિઝા માટે લોટરી સિસ્ટમ બંધ કરવાની તૈયારી

વોશિંગ્ટન ડીસી, ટેરિફ, યુદ્ધવિરામ અને ઈમિગ્રેશન નીતિને લઈને સતત ચર્ચામાં રહેતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એચ૧-બી શ્રેણી હેઠળ ભરતી માટેની નવી પ્રક્રિયા અમલી બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છે.

આ નવી પ્રક્રિયા એચ-૧બીના (કેપ્ડ)ટોચમર્યાદાના ભાગમાં લાગુ કરાશે તથા લોટરી સિસ્ટમ રદ્દ કરી વેઈટેજ સિસ્ટમ લાગુ કરાય તેવી સંભાવના છે. એચ૧બી વિઝા પ્રોગ્રામ અમેરિકન કંપનીઓ ખાસ કરીને આઈટી ક્ષેત્રની કંપનીઓ માટે અત્યંત મહત્વનો છે. આ વિઝા થકી તેઓ ઉચ્ચ કુશળતા ધરાવતાં આઈટી પ્રોફેશ્નલ્સની ભરતી કરે છે, જેમાં ભારતીય પ્રોફેશ્નલ્સનો હિસ્સો ઘણો નોંધપાત્ર છે.

એચ૧બી વિઝાની પ્રક્રિયામાં થનારા કોઈ પણ ફેરફારથી ભારતીયોને સૌથી વધુ અસર થશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ પ્રસ્તાવને વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ ઇન્ફર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સને સમીક્ષા માટે મોકલી આપ્યો છે.

વર્ષ ૨૦૨૬ના વર્ષ માટે પૂરતી અરજીઓ સબમિટ થઈ હોવાનું જાહેર કરી યુએસસીઆઈએસએ શુક્રવારે પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી હતી, જેનો અર્થ કે નાણાં વર્ષ ૨૦૨૬માં લોટરી પ્રક્રિયા નહીં યોજાય.

વર્તમાન પદ્ધતિ અનુસાર, દર વર્ષે વિઝા જારી કરવાની સંખ્યાની ટોચમર્યાદાને આધારે રેન્ડમ લોટરીની પ્રક્રિયા હાથ ધરાય છે. લોટરી પછી જે કંપનીઓ કે નોકરીદાતાઓનું નામ તેમાં હોય તેઓ શ્રમિકો કે કર્મચારીઓને સ્પોન્સર કરવા માટે અરજી કરે છે. ત્યારબાદ આ કર્મચારીઓ તેમની કંપનીમાં ભરતી થાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ડીએચએસે રેન્ડમ લોટરીના સ્થાને પદ માટે ઓફર કરવામાં આવતાં વેતનને આધારે પસંદગીની પ્રક્રિયા રજૂ કરી હતી. જેથી કંપનીઓ તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓછું વેતન ધરાવતાં વિદેશી શ્રમિકોને સ્થાને વધુ કુશળતા ધરાવતાં શ્રમિકોની ભરતી કરી શકે.

જોકે પાછળથી ૨૦૨૧માં બાઈડેન વહીવટતંત્રએ આ પ્રક્રિયાને રદ્દ કરી હતી. કોઈ કંપની કે અરજદારને કોઈ પણ પ્રકારની તરફેણનો લાભ ના થાય તે માટે લોટરી સિસ્ટમ લાગુ કરાઈ હતી. જોકે તેમાં પણ મોટી કંપનીઓ વધુ વિઝા માટે અરજી કરી શકે છે અને તેમને વધુ એચ૧બી વિઝા જારી પણ કરાય છે.

જાન્યુઆરીમાં અમેરિકાની ધ ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્રોગેસ નામની થિન્ક ટેન્કે એચ૧બી વિઝા માટેની લોટરી સિસ્ટમ દૂર કરવાનો વિચાર રજૂ કર્યાે હતો.ટોચમર્યાદા એ દર વર્ષે કેટલી સંખ્યામાં એચ-૧બી વિઝા જારી કરવા તે અંગે અમેરિકન કોંગ્રેસ દ્વારા નિર્ધારીત કરાતી કાનૂની મર્યાદા છે. હાલ આ મર્યાદા ૮૫,૦૦૦ સ્લોટની છે, જેમાં ૨૦,૦૦૦ માસ્ટર ડિગ્રી ધરાવતા કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે.

આ ટોચમર્યાદામાંથી યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને મુક્તિ અપાઈ છે.વર્ષ ૨૦૨૨માં જારી કરાયેલાં કુલ ૩.૨૦ લાખ એચ૧બી વિઝા પૈકીના ૭૭ ટકા ભારતીય નાગરિકોને અપાયાં હતાં. આ ટ્રેન્ડ નાણાકીય વર્ષ ૨૦૨૩ માં પણ જળવાઈ રહ્યો હતો. ૨૦૨૩માં જારી કરાયેલા ૩૮૬,૦૦૦ વિઝામાં ભારતીયોનો હિસ્સો ૭૨.૩% રહેવા પામ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.