Western Times News

Gujarati News

જાપાનમાં સત્તારૂઢ ઇશિબાની સરકાર બહુમતી ન મેળવી શકી

ટોક્યો, છેલ્લાં કેટલાંક વર્ષથી રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલાં જાપાનમાં વડાપ્રધાન શિગેરુ ઈશિબાનું સત્તાધારી ગઠબંધન, મહત્વની સંસદીય ચૂંટણીમાં ઉપલા ગૃહમાં બહુમતિ મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. જેને પગલે ઈશિબા સરકારનું ભાવિ જોખમમાં મુકાયું છે. આ કારમી હાર છતાં ઈશિબાએ સત્તા પરથી રાજીનામું આપવાનો ઈનકાર કર્યાે હતો.

તેમણે જણાવ્યું હતું કે, રાજીનામું આપી દેશમાં રાજકીય અવકાશ સર્જવાને બદલે તેઓ અમેરિકાના ટેરિફ વિરુદ્ધ લડત આપશે. ૨૪૮ સભ્યોનું સંખ્યાબળ ધરાવતાં સંસદના ઉપલા ગૃહમાં ઈશિબાની લિબરલ ડેમોક્રેટીક પાર્ટી તથા તેના સહયોગી પક્ષ કોમેઈટોને ૭૫ સિવાયની વધુ ૫૦ બેઠકોની જરૂર હતી, જોકે તેઓ માત્ર ૪૭ બેઠકો જ જીત્યાં હતાં.

સતત વધતી મોંઘવારી અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલાં ઊંચા ટેરિફ સહિતની સમસ્યાઓનો સામનો કરી રહેલાં જાપાનમાં ઈશિબાના પક્ષને મળેલી આ હારને કારણે સરકાર બંને ગૃહોમાં લઘુમતીમાં આવી જતાં દેશમાં ફરી રાજકીય ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓક્ટોબરમાં થયેલી નીચલા ગૃહની ચૂંટણીમાં પણ ઈશિબાના પક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૯૫૫માં લિબરલ ડેમોક્રેટીક પાર્ટીની સ્થાપના પછી સંસદના બંને પક્ષે ગૃહોમાં બહુમતી ગુમાવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ચૂંટણીમાં સત્તાધારી ગઠબંધનના અત્યંત નબળાં દેખાવ છતાં દેશમાં સત્તા પરિવર્તન થવાની શક્યતા પાંખી છે, કારણકે ઉપલાં ગૃહ પાસે વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની સત્તા નથી.

આમ છતાં, ચૂંટણીના પરિણામોને પગલે ઈશિબાના પક્ષમાંથી જ તેમને રાજીનામું આપવા દબાણ કરાય તથા તેમના સ્થાને અન્ય કોઈને વડાપ્રધાન બનાવાય તેવી માગ થાય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં તેમ રાજકીય નિષ્ણાતોનું માનવું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.