વડોદરાના રાવપુરા વિસ્તારમાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી

વડોદરા, વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે સરકારી પ્રેસની સામે સોમવારે પરોઢીયે લોહીથી લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવક તરસાલી વિસ્તારનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતાં યુવકની હત્યાની શંકાના આધારે સીસીટીવીની મદદથી ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો હતો.
મૃતક યુવાનના બે મિત્રોએ હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે બંન્નેની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરામાં રહેતો ૨૮ વર્ષીય યશ ભરતભાઇ ઠાકોર તરસાલી વિસ્તારમાં આવેલી આમલેટની લારી પર નોકરી કરતો હતો.
આજે વહેલી સવારે તેનો મૃતદેહ કોઠી ચાર રસ્તા પાસે આવેલા સરકારી પ્રિન્ટીંગ પ્રેસની સામે ફૂટપાથ પરથી મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની એસીપી હરપાલસિંહ રાઠોડે આ મામલે જણાવ્યુ હતુ કે મૃતક યશ ઠાકોરની હત્યા તેના બે મિત્રો ભીમબહાદૂર ઉર્ફે ભીમ ગોપાલબહાદૂર સોની (રહે.નેપાલ) તથા તરસાલી વિસ્તારમાં રહેતો સન્ની ઉર્ફે મેહુલ મહેશભાઇ માળીએ કરી હોવાની વિગતો મળી આવી હતી.
તેઓએ જણાવ્યુ હતુ કે, આ ત્રણેવ મિત્રો ગઇ કાલે સાંજથી સાથે જ હતા, તરસાલી વિસ્તારમાં રાત સુધી બેઠા હતા. બાદમાં ભીમબહાદૂરના જ્યૂપિટર પર ત્રણેવ મિત્રો સયાજી હોસ્પિટલની પાછળ આવેલી ભીમબહાદૂરના ભાઇની લારી પર આવ્યા હતા.
જ્યાં તેઓએ ચા પિધી હતી. આ સમયે અંદર અંદર મજાક મસ્તી કરતા હતા, તે દરમિયાન મૃતક યશ ઠાકોરની સાથે બંન્નેની ઉગ્ર બોલાચાલી થઇ હતી. એક તબક્કે તો યશ ઠાકોરે તેમની સાથે જ્યુપિટર પર પરત જવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.
પછી ત્રણેવ મિત્રો વચ્ચે સમાધાન થઇ જતાં ત્રણેવ જ્યુપિટર પર પરત જઇ રહ્યા હતા. આ દરમિયાન ફરીથી બોલાચાલી થતાં સરકારી પ્રેસની સામે ભીમબહાદૂરે છરીથી હુમલો કરતાં યશ ઠાકોરનું મોત નિપજ્યુ હતુ.
ત્યાર બાદ ભીમબહાદૂર અને મેહુલ માળી સ્થળ પરથી જ્યુપિટર પર તરસાલી વિસ્તારમાં પહોંચી ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે મળી આવેલી વિગતોના આધારે બનાવના લગભગ પાંચ કલાકમાં જ બંન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.SS1MS