૧૦૦ કરોડની લોનનું કહીને ગઠિયા ૩૫ લાખ મેળવી રફૂચક્કર

અમદાવાદ, આસામના જોરહાટ ખાતે યુનિવર્સિટી ધરાવનાર વ્યક્તિને બેન્ક કરતા અડધા વ્યાજે ૧૦૦ કરોડની લોન આપવાનું કહીને ત્રણ ગઠિયાઓએ છેતરપિંડી આચરી છે. આ ગઠિયાઓએ ભોગ બનનારની સાથે મીટિંગ કરી હતી. જે બાદ એગ્રિમેન્ટ સહી કરવાના બહાને ફરી બોલાવ્યા હતા. જે બાદ ૩૫ લાખ સ્ટેમ્પ ડ્યૂટીનું પેમેન્ટ આપશો એટલે ૧૦૦ કરોડ ટ્રાન્સફર થઇ જશે તેમ કહીને નાણાં મેળવી લીધા હતા.
બાદમાં બંને શખ્સો બહાના બતાવીને ઓફિસમાંથી નીકળીને રફુચક્કર થઇ ગયા હતા. બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આસામના બસંતકુમાર કેતન જોરહાટ ખાતે યુનિવર્સિટી ધરાવે છે. ગત તા.૧૭ ફેબ્›આરીએ તેમને રાજેન્દ્ર વાઘેલા નામના શખ્સે ફોન કરીને ફંડ બાબતે વાત કરી હતી.
બસંતકુમારને આસામમાં ઇથેનોલ પ્રોજેક્ટ બનાવવા માટે ૧૦૦ કરોડના ફંડની જરૂર હોવાથી તેમણે રાજેન્દ્રનો સંપર્ક કર્યાે હતો. બસંતકુમારે તેમના પ્રોજેક્ટની વાત કરતા રાજેન્દ્રએ ૧૦૦ કરોડની લોનની સહમતી દર્શાવી હતી. રાજેન્દ્રએ કંપનીના પ્રોજેક્ટના પેપરો મગાવીને બસંતકુમારને બોપલ આંબલી રોડ પર નવરત્ન કોર્પાેરેટ પાર્ક ખાતેની ઓફિસે તેના બોસ વિપુલ શાહને મળવા બોલાવ્યા હતા.
વિપુલ શાહે મીટિંગ દરમિયાન અમારી કંપનીનો માણસ તમારી કંપનીની જગ્યા, ઘર અને ડોક્યુમેન્ટ જોવા જોરહટ આવશે તેમ કહીને બસંતકુમાર પાસે પ્લેનની ટિકિટ બુક કરાવડાવી હતી. રાજેન્દ્ર વાઘેલાએ આસામ જઇને તપાસ પણ કરી હતી.
જે બાદ ૧૦૦ કરોડની લોન બેન્ક કરતા અડધા વ્યાજે આપવાનું કહીને એક એગ્રિમેન્ટ મોકલી આપ્યો હતો. એગ્રિમેન્ટમાં સહી કરીને સ્ટેમ્પ ડ્યૂટીનું પેમેન્ટ કરશો ત્યારે ૧૦૦ કરોડ ટ્રાન્સફર કરીશું તેવી લાલચ આપી હતી.
જેથી બસંતકુમાર તેમના મેનેજર અને ફાઇનાન્સ એડવાઇઝર સાથે અમદાવાદ આવ્યા હતા અને ૩૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જે પછી એક બાદ એક તમામ ઠગ લોકો ઓફિસમાંથી નીકળી ગયા હતા. વિપુલે પણ ટોયલેટ જવાનું બહાનુ બતાવીને છટકી ગયો હતો.
બાદમાં આરોપીઓએ ત્રીજા માળે બોલાવતા ત્યાં આવા કોઇ માણસો ન હોવાનું જાણવા મળતા પોલીસ બોલાવવામાં આવી હતી. બોડકદેવ પોલીસે આ મામલે અરજી લઇને તપાસ કર્યા બાદ આરોપી રાજેન્દ્ર વાઘેલા, વિપુલ શાહ, નિતાંત શર્મા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS