Western Times News

Gujarati News

વિયેતનામની રાજધાની હનોઈ પાસે ‘વિફા’ વાવાઝોડાનો કહેર

Tropical Storm Wipha made landfall in northern Vietnam at around 10 a.m. local time, bringing 64–102 km/h winds and periods of heavy rain in Hanoi.

વિયેતનામમાં શનિવારે ‘વિફા’ નામના વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે, જેના કારણે રાજધાની હનોઈથી નજીક આવેલા પ્રસિદ્ધ પ્રવાસી સ્થળ હાલોંગ ખાડીમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. ભારે પવન અને વરસાદ વચ્ચે પ્રવાસીઓથી ભરેલી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 34 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

હાલોંગ ખાડીમાં દુર્ઘટના
સરકારી મીડિયા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત બોટમાં કુલ 53 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ રાજધાની હનોઈના રહેવાસી હતા. આ ઘટના શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે બની હતી, જ્યારે ‘વિફા’ વાવાઝોડું દક્ષિણ ચીન સમુદ્રમાંથી વિયેતનામ તરફ આગળ વધી રહ્યું હતું. વાવાઝોડાને કારણે દરિયામાં ભારે પવન, ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે બોટનું સંતુલન ખોરવાયું અને તે પલટી ગઈ.

બચાવ અને રાહત કામગીરી
ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં 11 લોકોને જીવતા બચાવી લેવાયા છે, જ્યારે 34 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં 8 બાળકોનો પણ સમાવેશ થાય છે. હજુ પણ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. વિયેતનામના વડાપ્રધાન ફામ મિન્હ ચિન્હે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સંરક્ષણ અને જાહેર સુરક્ષા મંત્રાલયોને તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

વાવાઝોડાની અન્ય અસરો
‘વિફા’ વાવાઝોડું આ વર્ષે દક્ષિણ ચીન સાગરમાં ત્રાટકનારું ત્રીજું વાવાઝોડું છે. તેની અસરને કારણે હવાઈ મુસાફરી પર પણ ગંભીર અસર પડી છે. હનોઈના નોઈ બાઈ એરપોર્ટ પર શનિવારે 9 ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી, જ્યારે 3 ફ્લાઈટ્સનું પ્રસ્થાન અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલોંગ ખાડી, જે હનોઈથી લગભગ 200 કિલોમીટર દૂર છે, તે દર વર્ષે મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પ્રવાસીઓને આકર્ષે છે અને અહીં બોટિંગ ખૂબ જ લોકપ્રિય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.